Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કાર કોઇ અન્યની ને મેમો આવ્યો રતન ટાટાને

રતન ટાટાની કારના નંબરની પ્લેટ લગાવી ફરતી'તી મહિલાઃ ખુલી પોલ

મુંબઈ, તા.૬: મુંબઈમાં ટ્રાફિક પોલીસે હાલમાં જ દેશના જાણિતા ઉદ્યોગપતિ રતન ટાટાને ટ્રાફિક નિયમ તોડવા માટે દંડ ભરવાનો મેસેજ કર્યો હતો. જોકે આ સમાચારને જાણીને અનેક લોકોને વિશ્વાસ નહીં આવે કે રતન ટાટા પણ આવા કોઈ નિયમનો ભંગ કરી શકે છે. ખુદ રતન ટાટા પણ આ મેસેજને જોઈને આશ્યર્યમાં પડી ગયા હતા. તેમણે પોતાની ટીમને આ અંગે મુંબઈ પોલીસ સાથે વાત કરવા માટે કહ્યું હતું. રતન ટાટાની ટીમે મુંબઈ પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું કે જે પ્રકારે મેસેજ આપવામાં આવ્યો છે તેવા કોઈ નિયમનું તેમણે ઉલ્લંઘન કર્યું નથી. એટલું જ નહીં જે જગ્યાએ આ નિયમના ઉલ્લંઘનનું દર્શાવાયું છે તે જગ્યાએથી તેમની ગાડી પસાર જ નથી થઈ. આ સાંભળ્યા બાદ મુંબઈ પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ અને પોલીસે તે તમામ વિસ્તારો જયાં જયાં રતન ટાટાની કારે નિયમોનું ઉલ્લંઘન કર્યાનો તેમનો દાવો હતો તે જગ્યાઓના સીસીટીવી ફૂટેજને ચેક કરવાનું શરું કર્યું. ખાસ્સી તપાસ કર્યા પછી પોલીસને ગાડીની ભાળ મળી જેની નંબર પ્લેટ રતન ટાટાની ગાડીની નંબર પ્લેટ સમાન હતી. પોલીસે ગાડીના માલિક સાથે આ અંગે વાત કરી તો ખબર પડી કે આ કાર પર બનાવટી નંબર પ્લેટ લગાવીને તેની પત્ની ફરતી હતી. પોલીસે હવે આ મામલે મહિલાની ધરપકડ કરવા માટે તૈયારી કરી રહી છે.

પોલીસે જયારે કારની માલિક એવી મહિલાને આ અંગે કારણ પૂછ્યું તો મહિલાએ કહ્યું કે તે અંક જયોતિષમાં ખૂબ જ વિશ્વાસ કરે છે અને એક જયોતિષીએ તેને કહ્યું હતું કે આ નંબરની કાર તેને ખૂબ જ સૂટ કરશે. જેથી કરીને તેણે ખોટી નંબર પ્લેટ બનાવીને ગાડી પર લગડાવી દીધી. મહિલાએ કહ્યું કે તેને એ નહોતી ખબર આ નંબરની કાર રતન ટાટાના નામે રજિસ્ટર થયેલી છે.

પોલીસે જયારે આ મામલે વધુ તપાસ કરી તો તેમને ખબર પડી કે કાર હકિકતમાં મેસર્સ નરેન્દ્ર ફોરવર્ડ પ્રાઇવેટ લિમિટેડના નામે રજિસ્ટર થયેલી છે. પોલીસે આ મામલે કારની માલિક મહિલા વિરુદ્ઘ આઈપીસીની કલમ ૪૨૦, ૪૬૫ અને સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ અંતર્ગત કેસ દાખલ કર્યો હતો. રતન ટાટાને આ મહિલાના કારણે અનેકવાર ટ્રાફિક વાયોલેશનના મેસેજ મળ્યા હતા. આ ઈ મેમો મોટાભાગે વર્લી વિસ્તારમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે મોકલવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયામાં રતન ટાટાનું નામ ખૂબ જ આદર પૂર્વક લેવામાં આવે છે. જાણિતા ઉદ્યોગપતિનું નામ જેટલું દુનિયામાં ગાજે છે તેટલા જ તેઓ ખૂબ જ સરળ અને જમીનથી જોડાયેલા વ્યકિત છે. મંગળવારે તેમણે પુણેમાં પોતાના એક કર્મચારીની તબિયત ખરાબ હોવાના કારણે તેમની સાથે મુલાકાત કરીને તેના ખબરઅંતર પૂછ્યા હતા. રતન ટાટાની આ માનવતાએ તમામ લોકોને આશ્ચર્યમાં પાડી દીધા હતા. સોસાયટીના લોકોને તો વિશ્વાસ જ નહોતો આવતો કે આટલો મોટો કારોબાર ધરાવતા વ્યકિત ખૂબ જ સામાન્ય વ્યકિતની જેમ સમય કાઢીને મુંબઈથી પૂણે પોતાના એક કર્મચારીને મળવા માટે આવ્યા.

(4:02 pm IST)