Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સરકાર સાથે વાટાઘાટો નિષ્ફળ રહેતા સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

આંદોલનના ૪૨ દિવસ, આજે ખેડૂતોની ટ્રેકટર માર્ચ : કેન્દ્ર સાથે ખેડૂતોની સાત બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું ખેડૂતો કાયદો પરત લેવા અડગ, કેન્દ્ર સુધારા કરવા રાજી

નવી દિલ્હી, તા. ૬ : સુપ્રીમ કોર્ટે બુધવારે ખેડૂત આંદોલનની સ્થિતિમાં કોઇ ફેર નહીં પડ્યો હોવાથી ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ એસ એ બોબડેની બેંચે સોલિસીટર જનરલ તુષાર મહેતા અને એટર્ની જનરલ કે કે વેણુગોપાલને કહ્યું કે, સ્થિતિમાં કોઈ સુધારો નથી. સાથે જ કહ્યું કે, અમે ખેડૂતોની સ્થિતિ સમજીએ છીએ.

ખેડૂત આંદોલનનો બુધવારે ૪૨મો દિવસ છે, ત્યારે કૃષિ કાયદાને રદ્દ કરવાની અરજી અંગે કોર્ટમાં સુનાવણી ૧૧ જાન્યુઆરી સુધી ટાળવામાં આવી છે. બીજી બાજુ, કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે દેખાવો કરી કરેલા ખેડૂતો અને સરકાર વચ્ચે અત્યાર સુધી થયેલી વાતચીતનું કોઇ પરિણામ આવ્યું નથી.

ખેડૂત આંદોલન અંગે અનેક તબક્કાની સરકાર સાથે મંત્રણા યોજાઇ હોવા છતાં કોઇ ફેર નહીં પડતાં સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. જો કે, સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતા અને એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, અમને આશા છે કે ટૂંક સમયમાં આ મડાગાંઠ ઉકેલાઇ જશે.

આ સિવાય ખરાબ વાતાવરણને કારણે ખેડૂતોએ ૬ જાન્યુઆરીની જગ્યાએ ૭ જાન્યુઆરીએ દિલ્હીની ચારેય બાજુ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, આ માર્ચ ૨૬ જાન્યુઆરીએ યોજાનારી ટ્રેક્ટર પરેડની ટ્રાયલ હશે. સિંધુ બોર્ડર પર ખેડૂતોએ કહ્યું હતું કે, જો સરકાર કૃષિ કાયદાને પાછા નહીં લે તો તેઓ દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કરશે. પરેડનું નેતૃત્વ પંજાબ અને હરિયાણાની મહિલાઓ કરશે. હરિયાણાની લગભગ ૨૫૦ મહિલા ટ્રેક્ટર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહી છે.

ખેડૂતો અને સરકાર વચ્ચે ૪ જાન્યુઆરીની મીટિંગનું કોઈ પરિણામ આવ્યું નહતું. હવે આગામી ૮ જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે, જે ૯મી બેઠક હશે. અગાઉ બેઠકમાં ખેડૂતોની ૨ માગ માટે સહમતી થઈ હતી, બાકીની તમામ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

દરમિયાનમાં કાતિલ શીતલહેર અને માવઠાના માર વચ્ચે ખુલ્લા આકાશ તળે કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ આંદોલન જારી રાખ્યુ છે. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી ઝાપટા જારી રહેતાં ધરણાંના સ્થળે પાણી ભરાઈ જતા આંદોલનકારી ખેડૂતોની હાલત કફોડી બની છે. તેમ છતાં તેમણે સરકાર સાથેની ૭મી તબક્કાની મંત્રણાનું પરિણામ શુન્ય રહેતા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો રણટંકાર કર્યો છે. ખેડૂતો માટે કમોસમી વરસાદ આફતરૂપ ના બને તે માટે તમામ વિરોધ પ્રદર્શન સ્થળો પર તાડપત્રી અને વોટરપ્રુફ તંબુઓની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર સાથે સોમવારે ૭મી તબક્કાની મંત્રણાનું કોઈ પરિણામ સામે ના આવતા આંદોલનકારી ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે. દિલ્હીની જુદી જુદી બોર્ડર પર ૪૧ દિવસોથી ધરણાં કરી રહેલાં ખેડૂતોની મંગળવારે સિંઘુ બોર્ડર પર મહાપંચાયત મળી હતી. ખેડૂત નેતાઓ સમગ્ર દિવસ દરમિયાન બેઠક તેમજ પંચાયતમાં વિચારવિર્મશ બાદ આગામી કાર્યક્રમોનુ એલાન કર્યુ હતુ. જેમાં ૭મી જાન્યુઆરીએ એક્સપ્રેસ વે પર વિશાળ ટ્રેકટર માર્ચ યોજાશે. જ્યારે ૯મી અને ૧૩મી જાન્યુઆરીએ સંકલ્પ દિવસમાં મનાવવામાં આવશે. ૭મીએ એક્સપ્રેસ વે પર મોટીસંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાઈને ચોતરફથી એક્સપ્રેસ વે પર ચક્કાજામ કરશે, જેમાં મહિલાઓ પણ મોટીસંખ્યામાં ટ્રેકટર ચલાવીને માર્ચમાં જોડાનાર છે.

(7:37 pm IST)