Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

યુપી અને ઉત્તરાખંડને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી જવાબ માગ્યો

લવ જેહાદ અંગેના કાયદાને પડકારવાનો કેસ : કેટલાક સામાજિક કાર્યકરો અને સંગઠનોએ લવ જેહાદ સામેના કાયદાને પડકારતા સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી

નવી દિલ્હી, તા. ૬ : યુપી અને ઉત્તરાખંડમાં લવ જેહાદ કાયદાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમિયાન, સુપ્રીમ કોર્ટે અરજીઓ સ્વીકારી અને બંને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી અને આ મામલે જવાબ માંગ્યો છે. યુપીમાં તે માત્ર એક વટહુકમ છે, જ્યારે ઉત્તરાખંડમાં તે ૨૦૧૮માં કાયદો બની ગયો છે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લવ જેહાદ અધિનિયમ હેઠળ જો કોઈ વ્યક્તિ કોઈને લાલચ આપી, છેતરીને કે ધમકી આપીને ધર્મ બદલવાની ફરજ પાડે છે, તો તેને પાંચ વર્ષની સજા થઈ શકે છે. પરંતુ કેટલાક સામાજિક કાર્યકરો અને સંગઠનોએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

સુપ્રીમે હવે આ વટહુકમોની બંધારણીયતા તપાસશે, આ જ કારણ છે કે રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને તેમનો પક્ષ માંગ્યો છે. બુધવારના અદાલતમાં સુનાવણી દરમિયાન સૉલિસિટર જનરલે સુપ્રીમેને કહ્યું કે, પહેલા જ આ મામલે હાઈકોર્ટ સુનાવણી કરી રહ્યું છે, જેના પર અદાલતે હાઈકોર્ટ ના જઇને સીધા અહીં આવવાનું કારણ પુછ્યું. અરજદાર દ્વારા હાઈકોર્ટની જગ્યાએ સીધા સુપ્રીમે માં અરજી આપવા પર અદાલતે વાંધો ઊઠાવ્યો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું કે, આ વટહુકમ પર તરત જ રોક લગાવવામાં આવે. આની આડમાં આંતરધર્મિય લગ્ન કરનારા લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. લોકોને લગ્નમાંથી જ ઊઠાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશ સરકારે ધર્મ પરિવર્તનથી જોડાયેલા વટહુકમને મંજૂરી આપી હતી. આ અંતર્ગત જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવા, લાલચ આપીને અથવા લગ્નની લાલચ આપીને ધર્મ બદલાવનારાઓનેસખ્ત સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશે પણ આવો જ વટહુકમ લાગુ કર્યો હતો અને પોતાના ત્યાં ૫ લાખના દંડ, દશ વર્ષની સજાની જોગવાઈ રાખી હતી. અન્ય અનેક ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારના કાયદાની ચર્ચા થઈ રહી છે. જો કે અનેક વિપક્ષી પાર્ટીઓએ, સમાજના અલગ-અલગ વર્ગોએ આના પર વાંધો ઊઠાવ્યો છે.

(7:37 pm IST)