Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભારતના દવા ઉત્પાદકોને પ્રોત્સાહન મળતા નિકાસમાં નોંધાયો નોંધપાત્ર વધારો

યુરોપીયન સંઘ દેશો અને અમેરિકામાં ભારતીય દવાની ખૂબ માંગ

 નવી દિલ્હીઃ કોવિડ-૧૯ના પ્રભાવ હેઠળ દુનિયાભરના દેશોમાં દવાની વધેલી ડિમાન્ડને પરિણામે ભારતની ફાર્માસ્યૂટિકલ્સ પ્રોડકટ્સ એટલે કે જુદી જુદાં દવાઓની નિકાસમાં ૧૮ ટકાનો વધારો થયો છે. દવાઓ બનાવવા માટે જરૂરી બલ્ક ડ્રગની નિકાસમાં પણ ૯ ટકાનો વધારો થયો છે. જોકે ૨૦૧૯-૨૦ના સંપૂર્ણ નાણાંકીય વર્ષમાં દવાની નિકાસમાં માત્ર ૧૧ ટકાનો અને બલ્ક ડ્રગની નિકાસમાં એક ટકાનો જ વધારો થયો હતો. જ્યારે ૨૦૨૦-૨૧ના પહેલા છ માસના ગાળામાં જ નિકાસમાં ૧૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.

 કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના આરંભથી જ દુનિયામાં કોરોનાના ચેપના કિસ્સાઓ વધવા માંડયા હતા. ત્યારબાદ માર્ચ મહિનાના બીજા પખવાડિયાથી ભારતમાં પણ કોરોનાના કેસ વધ્યા હતા. આ સ્થિતિમાં ભારત અને પશ્ચિમના દેશો સહિત વિશ્વ સમગ્રના દેશોમાં કોરોનાના ભયથી ફફડાટ ફેલાઈ ગયો હતો. પરિણામે કોરોનાનો ચેપ લાગુ પડે તો તેની સામે પ્રજાને રક્ષણ આપવા માટે વિશ્વના ઘણાં દેશોએ પણ અગમચેતીના ભાગરૂપે કોરોનાની દવાની આયાત કરીને તેનો સંગ્રહ કરી રાખી મૂક્યો હતો. તેને પરિણામે ભારતમાંથી કોરોનાની દવાની નિકાસમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો.  સૌથી વધુ આનંદની વાત તો એ છે કે એક તરફ કેન્દ્ર સરકારે ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે એકિટવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગ્રેડિયન્ટ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માંડયું છે. પરિણામે એકિટવ ફાર્માસ્યૂટિકલ્સ ઇનગડિયન્ટ્સના ઉત્પાદનમાં ધીમો પણ મક્કમ ગતિએ વધારો થવા માંડયો છે.

 આ વધારાને પરિણામે ચીન કોરોનાના ફેલાવાનું કેન્દ્ર હોવાનું માનતા ઘણાં દેશોએ ચીન પાસેથી બલ્ક ડ્રગ લેવાનું અટકાવવા માંડયું છે. તેમણે બલ્ક ડ્રગ માટે ભારત પર નજર ઠેરવી હોવાથી પણ ભારતમાંથી બલ્ક ડ્રગની અને એપીઆઈની નિકાસ વધી રહી છે. એપીઆઈની આયાત કરનારા દેશો ચીન ઉપરાંત અન્ય એક દેશ તરીકે ભારતના ઉત્પાદકો પર મદાર બાંધતા થઈ ગયા છે. 

અમેરિકા અને યુરોપિયન સંઘના દેશોમાં પણ ભારતીય દવાઓની ડિમાન્ડમાં ખાસ્સો વધારો થયો છે. તદુપરાંત ભારતના ઘણાં ઉત્પાદકોએ રેમડેસિવીરના મેન્યુફેકચરિંગ અને નિકાસ માટેના કામમાં જંપલાવ્યું છે. આ માટે વિદેશી કંપની સાથે કરાર પણ કર્યા છે.  ભારતના નિકાસકારો બલ્ક ડ્રગની નિકાસ કરીને તેમની આવકમાં વધારો કરવામાં સફળ થયા છે. છેલ્લા ત્રણ માસમાં પણ નિકાસ સારી રહેવાની ધારણા છે. પરિણામે આ વરસે દવાની નિકાસમાં ૧૦ ટકાથી ઊંચો વધારો રહેવાની ધારણા મૂકવામાં આવી રહી છે. 

(3:08 pm IST)