Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ર૮ વર્ષ બાદ પ્રભુ રામલલાની સંધ્યા આરતીમાં શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકશે

ટ્રસ્ટ દ્વારા વહેલા તે પહેલાના ધોરણે ૩૦ લોકોને સામેલ થવાની પરવાનગીઃ પાસ અપાશે :સંતોના આહવાન બાદ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને મંજુરી અપાઇઃ ૬.૩૦ વાગ્યે આરતી

અયોધ્યા તા. ૬ : ર૮ વર્ષો બાદ પહેલીવાર સામાન્ય ભકત પણ રામલલાની સંધ્યા આરતીમાં સામેલ થઇ શકશે. ટ્રસ્ટે સાંજે ૬.૩૦ કલાકે થનારી રામલલાની સંધ્યા આરતીમાં ૩૦ શ્રદ્ધાળુઓને ભાગ લેવાની મંજુરી આપી છે.

ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાળુઓ માટે દરરોજ  પોસ્ટ ઇસ્યુ કરવામાં આવશે. આરતીમાં સામેલ થનાર ભકતોને કોઇપણ પ્રકારનો પ્રસાદ લઇ જવાની અનુમતી નહી  હોય. ટ્રસ્ટ તરફથી ભકતોને નિઃશુલ્ક પ્રસાદ અપાશે. આરતી-દર્શન પુરી રીતે નિઃશુલ્ક રહેશે. આ દરમિયાન ભકતોને રામલલા પરિસરમાં કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીક ગેઝેટસ લઇ જવાની પણ મનાઇ હશે. કેમેરા, મોબાઇલ, પેન, ઘડીયાળ વગેરે ઉપર પણ પ્રતિબધ રહેશે.

રામ મંદિરના મૂખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસજીએ જણાવેલ કે ૬ ડીસેમ્બર ૧૯૯ર બાદ એવું પહેલીવાર બનશે જયારે સામાન્ય શ્રદ્ધાળુ રામલલાની આરતીમાં સામેલ થશે ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવેલ કે હવે રામલલાની સંધ્યા આરતીમાં શ્રદ્ધાળુઓ સામેલ થઇ શકશે. અસ્થાઇ મંદિરમાં બિરાજમાન રામલલા પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખી એક વખતમાં ૩૦ લોકોને જ સામેલ થવાની અનુમતી અપાશે. ટ્રસ્ટ કાર્યાલય તરફથી શ્રદ્ધાળુઓને કયુઆર કોડ સહીતના પાસ અપાશે જેનુ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરાશે ભવિષ્યમાં આરતીના ઓનલાઇન બુકીંગની પણ વ્યવસ્થા કરાશે.

ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રા મુજબ ટ્રસ્ટના સંગઠન બાદ રામ ભકતોને સુવીધાઓ માટે ચિંતન શરૂ કરાયું છે. પહેલા તીર્થ યાત્રીઓ દુરથી જ રામલલાના દર્શન કરી શકતા હતા. હવે નજીકથી દર્શન થઇ શકશે દર્શન માગને પીવીસી લગાવી સુરક્ષીત કરાયો છે.(૬.૧૭)

આરતી માટે ૬ વાગ્યે પહોંચવાનું રહેશે

ડો. અનીલ મિશ્રાએ જણાવેલ કે રામલલાની આરતી સાંજે ૬-૩૦ કલાકે થશે. તેમાં સામેલ થવા માટે શ્રદ્ધાળુઓએ ૬ વાગ્યા સુધીમાં રામ જન્મભૂમિના પ્રવેશ દ્વારા રંગ મહલ બેરીયર સુધી પહોંચવુ પડશે. અહીંથી તેમને આરતી માટે પ્રશાસનની શરતોનું પાલન કરતા જવાનું રહેશે. ૧પ મીનીટની આરતી પછી સાંજે૭ વાગ્યે દર્શન માર્ગ ક્રોસીંગ બેરીયરથી પરત ફરી શકાશે. સંતોના આહવાન ઉપર ટ્રસ્ટ દ્વારા ૩૦ શ્રદ્ધાળુઓને રામલલાની આરતીમાં સામેલ થવા પરવાનગી આપી છે.

(12:46 pm IST)