Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સોનિયા ગાંધી-માયાવતીને 'ભારત રત્ન' આપો: કોંગ્રેસ નેતા હરીશ રાવતની માંગ

સોનિયા ગાંધી અને માયાવતી બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ: બસપાએ કહ્યુ કે આવી વાતોથી મુરખ ના બનાવો

નવી દિલ્હી : ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મહાસચિવ હરીશ રાવતે સોનિયા ગાંધી અને માયાવતીને ભારત રત્ન આપવાની માંગ કરી છે. હરીશ રાવતે કહ્યુ કે, સોનિયા ગાંધી અને માયાવતી બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ છે. બીજી તરફ બસપાએ તેને સાર્વજનિક રીતે મુખર બનાવવાની રણનીતિ ગણાવી છે. બસપાએ રાવતને જવાબ આપતા કહ્યુ કે આવી વાતોથી મુરખ ના બનાવો

હરીશ રાવતે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ કે આદરણીય સોનિયા ગાંધીજી અને સમ્માનિત બહેન માયાવતીજી, બન્ને મજબૂત રાજકીય વ્યક્તિત્વ છે. તમે તેમના રાજકારણથી સહમત અને અસહમત હોઇ શકો છો, પણ આ તથ્યનો તમે ઇનકાર નથી કરી શકતા કે સોનિયાજીએ ભારતીય મહિલાની ગરીમા અને સામાજિક સમર્પણ અને જનસેવાના માપદંડોને એક નવી ઉંચાઇ અને ગરીમા પ્રદાન કરી છે. આજે તેમણે ભારતની નારીત્વનું ગૌરવશાળી સ્વરૂપ માનવામાં આવે છે. સુશ્રી માયાવતીજીએ વર્ષોથી પીડિત-શોષિત લોકોના મનમાં એક અદભૂત વિશ્વાસનો સંચાર કર્યો છે. ભારત સરકાર આ બન્ને વ્યક્તિત્વોને આ વર્ષનો ભારત રત્ન આપી સમ્માનિત કરે.

હરીશ રાવતની ટ્વીટના જવાબમાં બસપાએ કહ્યુ કે, તેમની માંગ માત્ર સાર્વજનિક રીતે મૂરખ બનાવવાની રણનીતિથી વધુ કઇ નથી. કોંગ્રેસની સરકાર બાબા સાહેબ આંબેડકરને સર્વોચ્ચ સમ્માન આપવામાં નિષ્ફળ રહી. બસપા સંસ્થાપક કાંશીરામ અને માયાવતી સહિત અન્ય બસપાના નેતાઓએ માંગ પણ ઉઠાવી હતી. બસપાએ કહ્યુ કે અમે લોકોએ કાંશીરામ માટે પણ આ સમ્માનની માંગ કરી હતી પરંતુ જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો તેમની માટે કઇ ના કર્યુ. હવે જ્યારે તે સત્તામાં નથી તો આવી માંગ કરી રહ્યા છે.

ભાજપે પણ રાવતને જવાબ આપ્યો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ દેવેન્દ્ર ભસીને કહ્યુ કે જે લોકો અદાલતી કેસનો સામનો કરી રહ્યા છે, તેમણે દેશના સર્વોચ્ચ સમ્માન આપીને રાવત ખોટુ ઉદાહરણ પુરૂ પાડવા માંગે છે. ભસીને સવાલ કર્યો કે જામીન પર બહાર કોઇ વ્યક્તિને ભારત રત્ન સમ્માન આપવુ યોગ્ય નહી હોય?

(12:33 pm IST)