Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

નીરવ મોદીએ અમારી જીંદગી બરબાદ કરી નાખી અમે તેના વિરૂધ્ધ જૂબાની આપશું પણ અમને માફ કરો

નવી દિલ્હી તા. ૬: ભાગેડુ હીરાના ધંધાર્થી નીરવ મોદીની મુશ્કેલીઓ વધતી જ જાય છે. ઇડી તરફથી દાખલ બે કેસોમાં હવે તેની નાની બહેન અને બનેવીએજ તેના વિરૂધ્ધ જુબાની આપવાનો નિર્ણય કર્યો છે. મુંબઇ ખાતેની સ્પેશ્યલ કોર્ટે જૂબાનીના બદલામાં તેમને માફી આપવાની વિનંતી કરતી અરજીને મંજૂર કરી છે.

ગયા મહીનેજ નીરવની બહેન પૂર્વી મહેતા અને તેના પતિ મયંક મેહતાએ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાને નીરવ મોદીથી દૂર રાખવા માંગે છે અને નીરવની સોદાબાજી સાથે સંકળાયેલ કેટલીક મહત્વની અને નક્કર સાબિતીઓ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે પૂર્વી પાસે બેલ્જીયમની નાગરિકતા છે જયારે તેઓ પતિ મયંક બ્રિટીશ નાગરિક છે.

બન્ને તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોજદીની કથિત ગુનાહિત ગતિવિધીઓના કારણે તેમની અંગત અને ધંધાકીય જીંદગી ઠપ્પ થઇ ગઇ છે. તેમણે કહ્યું છે કે તેઓ ઇડી તરફથી દાખલ મની લોન્ડ્રીંગના કે કેસોમાં સાક્ષી બનવા માંગે છે અને કેટલાક એવા ખુલાસાઓ કરી શકે છે જે મોદી અને બાકીના આરોપીઓના આરોપ સાબિત કરવામાં બહુન મહત્વના સાબિત થઇ શકે છે.

જણાવી દઇએ કે પંજાબ નેશનલ બેંક સાથે બોગસ અંડર ટેકીંગ દ્વારા ૬૪૯૮.ર૦ કરોડ રૂપિયાના ગોટાળા કેસમાં નીરવ મોદી અને અન્ય આરોપીઓ સામે સીબીઆઇ અને ઇડીએ તપાસ ચાલુ રાખી છે. પૂર્વી અને મયંકને સીબીઆઇએ આરોપી નથી બનાવ્યા પણ ઇડીએ બન્નેના નામ કેસ સાથે જોડયા હતા. બન્નેના સાક્ષી બનવા પર ઇડીએ કોઇ વાંધો રજૂ નથી કર્યો. જોકે કોઇ આરોપી કંપની અથવા સંસ્થાના સાક્ષી બનવા પર ઇડીએ વાંધો લીધેલો છે.

ઉલ્લેખનિય છે કે ઇડીએ કહ્યું હતું કે પૂર્વીના નામ સાથે જોડાયેલી સંસ્થાઓ અને બેંેંક ખાતાઓનો ભારત અને વિદેશમાં મની લોન્ડ્રીંગ માટે ઉપયોગ થતો રહ્યો છે. પૂર્વી વિરૂધ્ધ ઇન્ટરપોલે એક રેડ કોર્નર નોટીસ પણ બહાર પાડી હતી. ન્યુયોર્ક અને લંડન ખાતેની તેની સંપતિઓને ઇડીએ જપ્ત કરી હતી.

(11:39 am IST)