Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ગૃહિણીઓનું ઘરકામ પતિના ઓફિસ કામ કરતા ઓછું મહત્વનું નથી

સુપ્રિમ કોર્ટનો ફેંસલો...ગૃહિણીઓ કામ કરતી નથી...આર્થિક યોગદાન આપતી નથી...આ વિચારધારા ખોટી છેઃ હવે આ માનસિકતા બદલવાની જરૂરઃ કોર્ટનું તારણ...મહિલાઓ ઘરમાં પૈસા વગર પુરૂષોની સરખામણીમાં કરે છે વધુ કામઃ ઘરકામ કરતી મહિલા અને તેના કામકાજી પતિની કિંમત એક સમાન

નવી દિલ્હી, તા. ૬ :. કામકાજ કરનાર પતિ જો પત્નિને એવુ સંભળાવે કે 'તું ઘરમાં આખરે કરે છે શું ?' ગૃહિણીઓ કામ કરતી નથી, આર્થિક યોગદાન આપતી નથી, આ સોચ જ ખોટી છે. વર્ષોથી પ્રચલિત આ માનસિકતાને બદલવાની જરૂર છે. સુપ્રિમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એવુ કહ્યુ છે કે ઘરમાં રહેતી મહિલાઓનું કામ તેમના પતિના ઓફિસના કામ જેટલુ જ મહત્વનુ છે. એક મોટર વાહન દુર્ઘટનાના વળતરને લઈને થઈ રહેલી સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે એવુ વિચારધારા કે ઘરમાં રહેતી મહિલાઓ કામ કરતી નથી કે પછી તે ઘરમાં કોઈ આર્થિક મદદ આપતી નથી એ કહેવુ ખોટુ છે અને હવે આપણે આનાથી બહાર આવવાની જરૂર છે. આવુ કહેતા સુપ્રિમ કોર્ટે કાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એક દંપતિના સગાઓને મળતી વળતરની રકમ વધારી દીધી હતી. હાઈકોર્ટે આ મામલામાં મૃત મહિલાની આવક એટલા માટે ઓછી આંકી હતી કે કારણ કે ગૃહિણી હતી.

જસ્ટીસ એન.વી. રમણના વડપણમાં ૩ જજોની ખંડપીઠે કહ્યુ હતુ કે ગૃહિણીઓની આકરી મહેનત અને શ્રમ માટે આર્થિક મૂલ્ય નક્કી કરવાનુ ઘણુ મુશ્કેલ છે પરંતુ તે મહત્વપૂર્ણ છે. જસ્ટીસ રમણે કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર લગભગ ૧૬ કરોડ મહિલાઓ ઘર સંભાળે છે તો ઘર સંભાળનાર પુરૂષોની સંખ્યા માત્ર ૬૦ લાખ આસપાસની છે.

હાલમાં જ એક રીપોર્ટ અનુસાર મહિલાઓ રોજ ૨૯૯ મીનીટ સુધી એવા ઘરમાં કામ કરે છે જેમને તે બદલ કોઈ ચૂકવણુ નથી થતું તો સરેરાશ પુરૂષ ઘરના કામ માટે ૯૭ મીનીટ આપે છે. તે ખાવાનુ બનાવે છે, રાશન કે અન્ય જરૂરી ચીજોની ખરીદી કરે છે, ઘર સાફ કરે છે, વ્યવસ્થિત રાખે છે, સજાવટ કરે છે, સારસંભાળ રાખે છે. એટલુ જ નહિ ઘરના બાળકો અને વડીલોની સંભાળ પણ રાખે છે.

જસ્ટીસ રમણે કહ્યુ હતુ કે આમ છતા એવી સોચ કે ગૃહિણીઓ કામ નથી કરતી કે પછી ઘરમાં આર્થિક મદદ નથી કરતી તે કહેવુ ખોટુ છે અને વર્ષોથી ચાલી આવતી આ સોચથી હવે બહાર નીકળવાની જરૂર છે.

ખંડપીઠે દુર્ઘટનાના પીડીતોના પરિવારને ૨૨ લાખને બદલે ૩૩.૨ લાખનુ વળતર આપવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે આ રકમ ૨૨ લાખ નક્કી કરી હતી.સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે આદેશ દેતી વેળાએ અદાલતોએ ઘર પર રહેતી મહિલાઓના અપ્રત્યક્ષ આર્થિક યોગદાનને ધ્યાને લેવુ જોઈએ. તેઓનું કામ કોઈ પરિવારની આર્થિક સ્થિતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને હવે તેને ઓળખ આપવાની જરૂર છે.

સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે ઘરમાં કામ કરતી મહિલા પુરૂષોની સરખામણીમાં વધુ અને વગર પૈસે કામ કરે છે. કોર્ટે કહ્યુ હતુ કે એક દિવસમાં મહિલાઓ ઘરના સભ્યોની દેખરેખના કામમા ૧૩૪ મીનીટ ખર્ચે છે જ્યારે પુરૂષ આવા કામમાં માત્ર ૭૬ મીનીટ જ ખર્ચ કરે છે. મહિલાઓ સરેરાશ ૧૬.૯ ટકા પૈસા વગર ઘરેલુ કામ કરે છે, જ્યારે ૨.૬ ટકા ઘરના સભ્યોની દેખરેખમાં લગાવે છે. જ્યારે પુરૂષોની આ સરેરાશ ૧.૭ ટકા અને ૦.૮ ટકા થઈ જાય છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ ગ્રામિણ મહિલાઓ ખેતરમાં પણ મદદ કરતી હોય છે. કોર્ટે કહ્યુ હતુ કે હોમમેકરની નેશનલ ઈન્કમ નક્કી કરવી અને તેમના કામોને માન્યતા આપવી તે મહત્વનું બનશે. તેઓનું આવક નક્કી કરવાનુ હવે મહત્વનુ બન્યુ છે.

(11:01 am IST)