Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હાઇકોર્ટનો મોટો ચુકાદો

ટ્રાન્સજેંડર હવે મહિલા કેટેગરીમાં પણ લડી શકશે ચુંટણી : લિંગ ઓળખનો આપ્યો અધિકાર

મુંબઇ,તા. ૬: બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક ટ્રાંસજેન્ડરને મહિલા વર્ગમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત અદાલતે પોતાના ચુકાદામાં કહ્યું છે કે આવા લોકોને લિંગ ઓળખનો અધિકાર છે. જસ્ટિસ રવીન્દ્ર ઘુગની સિંગલ બેંચે ૨ જાન્યુઆરીએ દાખલ કરેલી અરજી પર ચુકાદો આપ્યો. અત્રે ઉલ્લેખનિય છે કે આ અરજી અંજલિ ગુરૂ અને સંજના જાન દ્વારા કરવામાં આવી હતી.

આ અરજીમાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રિટર્નિંગ અધિકારીનાં નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જલગાંવ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે રિટર્નિંગ અધિકારીએ (ટ્રાન્સજેન્ડર) અરજદારનું ફોર્મ રદ કર્યું હતું. ઉમેદવારીપત્રમાં અરજદારે લિંગમાં સ્ત્રી કેટેગરીની પસંદગી કરી હતી અને અનામત વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે સામાન્ય કેટેગરીની મહિલાઓને નામાંકન ભર્યું હતું.

જો કે, અરજદાર ટ્રાન્સજેન્ડર હોવાના કારણે ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવ્યાં હતાં અને હાલની ગ્રામ પંચાયતની ચૂંટણી ફોર્મમાં ટ્રાંસજેન્ડર કેટેગરીની વ્યવસ્થા નથી. અરજદારના એડવોકેટ એ.પી. ભંડારીએ કોર્ટને માહિતી આપી કે તેમના કલાયન્ટે હંમેશાં બધા હેતુઓ માટે સ્ત્રીની (સ્ત્રી કેટેગરી) પસંદગી કરી છે અને ભવિષ્યમાં તે કયારેય પુરૂષ કેટેગરીમાં નહીં આવે.

કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું, 'હાલના કેસમાં અરજદારે મહિલાને તેના લિંગની ઓળખ માટે સ્ત્રીલિંગની પસંદગી કરી છે અને આજીવન આ વર્ગમાં રહેવાનું નિવેદન પણ આપ્યું છે.' તકવાદથી પ્રેરિત, તે પુરૂષ લિંગની કેટેગરીમાં પ્રવેશ કરશે નહીં અને જાહેર જીવનમાં ટ્રાન્સજેન્ડરો માટે અનામત હોય કે નહીં, ભવિષ્યમાં પણ તે સ્ત્રી લિંગ પસંદ કરવાનું ચાલુ રાખશે.'

(9:33 am IST)