Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પ્રજાના પૈસે ૮૮ લાખની ઘરમાં સજાવટ

૨૮ લાખની કારપેટ , ૨૨ લાખનું ટીવી, ૧૨ લાખની ચાદર : આ છે મહેબુબા મુફતીના શાહી ખર્ચાઓ

જમ્મુ,તા. ૬: મહબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરના મુખ્યંત્રી રહેતા શ્રીનગરના ગુપકાર રોડ સ્થિત પોતાના ઓફિશિયલ નિવાસના રિનોવેશન પર માત્ર ૬ મહિનામાં લગભગ ૮૮ લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. આ રાશિની ચૂકવણી ભારત સરકારે કરી. એક આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે.

જમ્મુ-કાશ્મીર સ્થિત કાર્યકર્તા ઈનામ-અન-નબી સોદાગર તરફથી દાખલ કરાયેલી આરટીઆઈથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરી-જૂન ૨૦૧૮ દરમિયાન મહબૂબા મુફ્તીએ બેડશીટ, ફર્નિચર અને ટીવી જેવી ચીજવસ્તુઓ પર લગભગ ૮૨ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. આરટીઆઈથી એવો પણ ખુલાસો થયો કે તારીખ ૨૮ માર્ચ, ૨૦૧૮ના દિવસે મહબૂબા મુફ્તીએ એક દિવસમાં કારપેટ ખરીદવા માટે ૨૮ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો.

જૂન ૨૦૧૮માં તેમણે અલગ-અલગ વસ્તુઓ પર ૨૫ લાખ રૂપિયા કરતા વધુનો ખર્ચો કર્યો કે જેમાં એલઈડી ટીવી પર ૨૨ લાખ રૂપિયાનો ખર્ચો સામેલ છે. તારીખ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ મળેલા આરટીઆઈના જવાબની કોપીમાં ૩૦ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ૧૪ લાખ રૂપિયાનો ખર્ચો દેખાડવામાં આવ્યો છે. જેમાં ૨,૯૪,૩૧૪ રૂપિયાનું એક ગાર્ડન અમ્બ્રેલા સામેલ છે. આરટીઆઈના જવાબથી જાણવા મળ્યું છે કે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ૧૧,૬૨,૦૦૦ રૂપિયાની બેડશીટ ખરીદવામાં આવી હતી.

માર્ચ ૨૦૧૮માં મહબૂબા મુફ્તીએ લગભગ ૫૬ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો કે જેમાં ફર્નિચર પર ૨૫ લાખ રૂપિયા અને કારપેટ ખરીદવા ૨૮ લાખનો ખર્ચો કર્યો. ખરીદી કરવામાં આવેલા સામાનમાં ઓગસ્ટ ૨૦૧૬થી જુલાઈ ૨૦૧૮ સુધી ૨ વર્ષના સમયગાળામાં ૪૦ લાખ રૂપિયાની કટલરી આઈટમ સામેલ છે.

(9:33 am IST)