Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

સોનાની કિંમતો રેકોર્ડ ૪૨ હજારથી પણ ઉપર પહોંચી

પ્રતિ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૨૧૦૦ સુધી થયો : ચાંદીની કિંમતમાં પણ ૧.૫૮ ટકા સુધીનો ઉછાળો રહેતા ભાવ ૪૯૫૨૨ થયો : ઇરાન-અમેરિકા કટોકટીની અસર

નવીદિલ્હી-અમદાવાદ, તા. ૬ : શેરબજારમાં એકબાજુ આજે જોરદાર કડાકો બોલી ગયો હતો જ્યારે બીજી બાજુ ભારતીય સ્પોટ માર્કેટમાં સોનાની કિંમત પણ નવી ઉંચી સપાટીએ પહોંચી હતી. સોનાના ભાવ હજુ સુધીના ઇતિહાસમાં સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યા હતા અને આજે ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૦૦૦થી ઉપર પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં પણ ઉછાળો નોંધાયો હતો અને ભાવ પ્રતિકિલો ૪૯૫૨૨ સુધી પહોંચી ગયો હતો. રેકોર્ડ ઉંચી સપાટીની સરખામણીમાં સોનાની કિંમતમાં બે ટકાનો વધારો આજે થયો હતો. રૂપિયામાં તીવ્ર ઘટાડો આજે નોંધાયો હતો. કારોબારીઓના કહેવા મુજબ આગામી લગ્નની સિઝનમાં આના પરિણામ સ્વરુપે માંગણીને માઠી અસર થઇ શકે છે. કારોબારીઓના કહેવા મુજબ ૧૫મી જાન્યુઆરીથી લગ્નની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે સોનાની કિંમત ૪૨૦૦૦થી ઉપર પહોંચી જતાં સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. ચાંદીની કિંમતમાં પણ આજે ૧.૫૮ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

                આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની કિંમત ૭ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી હતી. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ કિંમત આસમાને પહોંચી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક તંગદિલી ચરમસીમા પર પહોંચી છે. ડોલર સામે રૂપિયામાં આજે જોરદાર ઘટાડો નોંધાયો હતો. અત્રે નોંધનીય છે કે, શેરબજાર આજે કડડભુસ થયું હતું. શેરબજારમાં આજે તીવ્ર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી કટોકટી વચ્ચે શેરબજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં કારોબારીઓ હચમચી ઉઠ્યા હતા. મધ્યપૂર્વમાં તંગદિલીને લઇને ભારતીય કારોબારીઓ આજે હચમચી ઉઠ્યા હતા. સેંસેક્સમાં આજે ૭૮૮ પોઇન્ટથી વધુનો જોરદાર કડાકો બોલી ગયો હતો. અમદાવાદમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે. સોનાના ભાવ ૪૨૧૦૦ સુધી પહોંચ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૨૩૦૦ રૂપિયા સુધીનો વધારો થયો છે.

(9:19 pm IST)