Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

નાગરિક કાનૂનના મામલે રાહુલ, પ્રિયંકાએ જોરદાર તોફાનો કરાવ્યા

દિલ્હીમાં ચૂંટણી પહેલા અમિત શાહે કાર્યકરોમાં જુસ્સો ભર્યો : કોંગ્રેસ, અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહારો કર્યા : નનકાના સાહેબ હુમલા અને મંદિરના મુદ્દા ઉપર વિરોધ પક્ષો પર પ્રહાર : કાર્યકરોને ઘેર ઘેર જવા આદેશનવી

દિલ્હી, તા. ૫ : ઝારખંડની સત્તા જતી રહ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંન્ટ્રોલની નીતિ હાથ ધરી છે જેના ભાગરુપે દિલ્હીમાં સત્તા હાંસલ કરવા તમામ તાકાત લગાવી દીધી છે. આના ભાગરુપે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોમાં જુસ્સો ભરવા માટે આજે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં કાર્યકરોને સંબોધન કરીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂનના વિરોધમાં દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન ફેલાયેલી હિંસા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો જવાબદાર હતા. તેમણે કહ્યું હતું કે, સીએએને લઇને લોકોને ગેરમાર્ગે દોરવાના કામ કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા કરવામાં આવ્યા હતા.

            કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરાએ પ્રજાને ગેરમાર્ગે દોરીને હિંસા ફેલાવવાના કામ કર્યા હતા. ૧૯૮૪માં શીખ નરસંહારની ઘટના બની હતી. અનેક શીખ ભાઈ બહેનોને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. કોંગ્રેસની સરકારો તેમના ઘા ઉપર મલમપટ્ટી કરવામાં સફળ રહી ન હતી. મોદી સરકારે દરેક પીડિતને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપ્યું છે. સાથે સાથે દોષિતોને જેલ ભેગા કર્યા છે. અમિત શાહે પાકિસ્તાનના નનકાના સાહેબ ગુરુદ્વારામાં હુમલાના બહાને વિપક્ષી દળો ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેજરીવાલ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી હવે આંખ ખોલીને જોઈ શકે છે. પાકિસ્તાનના નનકાના સાહેબ જેવા પવિત્ર સ્થળ ઉપર હુમલા કરીને શીખ સમુદાયના લોકોને ભયભીત કરવાના પ્રયાસો થયા છે.

             રામજન્મ ભૂમિના મામલે પણ અમિત શાહે વિપક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ રામ જન્મભૂમિના મામલે વર્ષો સુધી મામલાને રોકવાના પ્રયાસ કર્યા હતા. કોર્ટમાં આનો વિરોધ કરવામાં આવતો હતો. સુપ્રીમ કોર્ટે હવે ચુકાદો આપી દીધો છે કે, રામ જન્મભૂમિ ઉપર જ મંદિરનું નિર્માણ થવું જોઇએ જે દેશના કરોડો લોકોની ઇચ્છા હતી. શાહે દિલ્હીમાં કાચી વસ્તીને પાકી કરવાને લઇને રાજકીય ઘમસાણના મુદ્દે વિપક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પક્ષો ગેરકાનૂની કોલોની સાથે રાજનીતિ રમી રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ એક ઝટકામાં જ તમામ અનઅધિકૃત કોલોનીને સત્તાવાર બનાવી દીધી છે. કેજરીવાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કામો થવા દીધા નથી. આયુષ્યમાન ભારત યોજના પણ લાગૂ કરી નથી. અમિત શાહે આ પ્રસંગે કાર્યકરોને મોહલ્લા સભા કરવા અને ઘરે ઘરે પહોંચવાની અપીલ કરી હતી. શાહે કહ્યું હતું કે, આજના દૃશ્ય દર્શાવે છે કે ફેબ્રુઆરીના અંતમાં દિલ્હીમાં કોની સરકાર બનનાર છે. મિડિયાના લોકો સાથે વાતચીત કરતા શાહે કહ્યું હતું કે, બુથના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે. સરકારની નીતિઓ તમામ લોકો સુધી પહોંચે તે જરૂરી છે. ભાજપને ચૂંટણી સભાઓથી નહીં બલ્કે ઘરે ઘરે જઇને લડવાની છે. મોહલ્લા મિટિંગ મહત્વપૂર્ણ રહેશે. મોહલ્લા મિટિંગની શરૂઆત અમિત શાહ પોતે કરનાર છે.

 

(12:00 am IST)