Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ચીનમાં બનાવાશે તરતું શહેર

આ શહેર ૧૫૦ મીટર લાંબા અને ૩૦ મીટર પહોળા કૉન્‍ક્રીટ પ્રીફૅબ્રિકેટેડ બૉડીનું બનાવેલું હશે

બીજીંગ, તા.૫: સમુદ્રની અંદર તરતા શહેરની એક નવી યોજના તાજેતરમાં જ જાહેર કરવામાં આવી હતી, જેમાં એક સ્‍થળેથી બીજા સ્‍થળે જવા માટે સબમરીન માટે ગલીઓ હતી. ચીનના દરિયાકિનારે જો પ્રોજેક્‍ટ બનશે તો એ અત્‍યાર સુધીનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ હશે. એની ડિઝાઇન ઑફિસ દ્વારા ૨૦૧૫માં એનો પ્‍લાન જાહેર કરવામાં આવ્‍યો હતો જે ગુઆંગડોગ જિલ્લામાં હૉન્‍ગકૉન્‍ગ અને મકાઉ વચ્‍ચે બનાવવામાં આવશે. આ શહેર ૧૫૦ મીટર લાંબા અને ૩૦ મીટર પહોળા કૉન્‍ક્રીટ પ્રીફૅબ્રિકેટેડ બૉડીનું બનાવેલું હશે. ફ્‌લોટિંગ શહેરમાં મોટાં જહાજો માટે ક્રુઝ પોર્ટ ટર્મિનલ, નાની યૉટ તથા સબમરિન લાગરવા માટે બંદરો હશે. તરતા શહેરને જોડવા માટે પાણીની ઉપર અને અંદર હાઇવે પણ હશે.

હાલ તો આ શહેર જાણે કોઈ કલ્‍પના હોય એવું લાગે, પણ એ હકીકત બનતાં બહુ સમય નહીં લાગે. સીસીસીસી-એફએચડીઆઇ દ્વારા આ જ ટેક્રૉલૉજીનો ઉપયોગ કરીને ચીનનાં ત્રણ શહેરો હૉન્‍ગકૉન્‍ગ, મકાઉ અને ઝુહાઈને જોડતા ૩૧ માઇલ લાંબા પુલ તૈયાર કર્યા હતા. આ પુલમાં એક અન્‍ડરવૉટર ટનલ પણ છે. ફ્‌લોટિંગ સિટીની યોજનામાં ષટ્‍કોણ આકારનાં મૉડ્‍યુલોની કતાર છે જે એકબીજી સાથે જોડાયેલી હોય છે. શહેરમાં ફ્‌લોટિંગ હોટેલ અને મનોરંજનની સુવિધાઓ પણ છે જેથી શહેરને આત્‍મનિર્ભર બનાવી શકાય. વળી ખેતરો પણ બનાવાયાં છે અને કચરો પણ ભેગો કરવામાં આવશે. અજોડ દેખાતું આ જહાજ ૫૫૦ મીટર લાંબું અને ૬૦ મીટર પહોળું હશે. હોટેલ, શૉપિંગ સેન્‍ટર અને પાર્ક સહિત ૬૦,૦૦૦ મહેમાનો ત્‍યાં આવી શકશે.

(3:39 pm IST)