Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ચૂંટણીપર્વ રંગેચંગે સંપન્‍ન : સાંજે એકઝીટ પોલ : ૮મીએ ફેંસલો

આજે બીજા તબક્કામાં ઉત્‍સાહ-ઉમંગના ઘોડાપુર : ઠેરઠેર લાઇનો : બપોર સુધીમાં ૫૦ ટકાથી વધુ મતદાનઃ ૬૫% ઉપર પહોંચશે : વડાપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્‍યપ્રધાન, રાજયપાલ, પ્રધાનો સહિતના દિગ્‍ગજોનું મતદાન : વધુ મતદાન માટેના તમામ પક્ષોના પ્રયાસો : ગામડાઓ - શહેરોમાં વૃધ્‍ધોથી લઇને યુવાવર્ગમાં જોવા મળ્‍યો ઉત્‍સાહ : વિજયના દાવા - પ્રતિદાવા : હવે ગુરૂવારે સૌની મીટ : હવે થોડો આરામ કરો... મોદીને તેમના મોટાભાઇએ આપી સલાહ : વડાપ્રધાનના માતુશ્રી હીરાબાએ ૧૦૦ વર્ષની ઉંમરે કર્યુ મતદાન

નવી દિલ્‍હી, તા.૫: ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાયેલી ચૂંટણી રંગેચંગે સમાપ્‍ત થઇ છે. બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્વક રીતે સંપન્‍ન થતા ચૂંટણીપંચે નિરાંતનો દમ લીધો છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૫ ટકા જેટલુ ઓછુ મતદાન થયા બાદ આજે ૧૪ જીલ્લાની ૯૩ બેઠકો માટે યોજાયેલા મતદાનની ટકાવારી વધે એ માટે હાથ ધરાયેલા પ્રયાસોને સફળતા મળી હોય તેમ આજે શહેરો - ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઉત્‍સાહ - ઉમંગથી મતદાન થયુ છે.

મતદાન માટે મોટા ભાગના બુથો પર લાંબી-લાંબી લાઇનો જોવા મળી હતી. આજે સવારે વડાપ્રધાન મોદીએ રાણીપમાં તો મુખ્‍યમંત્રી પટેલે શીલ જ ખાતે મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી. ગૃહમંત્રી શાહે પણ અમદાવાદ ખાતે મતદાન કર્યુ હતુ. રાજયપાલ આનંદીબેન પટેલ ઉપરાંત મંત્રીમંડળના અનેક સભ્‍યોએ મતદાન કર્યુ હતું. આજના મતદાનમાં ૮૩૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુ છે. ગુરૂવારે મત ગણતરી હાથ ધરાશે. દરમ્‍યાન રાજયમાં કોની સરકાર રચાશે ? કોણ જીતશે ? કોણ હારશે ?

એ અંગેના એકઝીટ પોલનું સાંજથી પ્રસારણ શરૂ થતાં જ ફરી રાજકીય માહોલ ગરમી લાવશે. આ લખાય છે ત્‍યારે બપોર સુધીમાં ૫૦ ટકાથી વધુ મતદાન નોંધાયુ છે જે પ્રકારે મતદાન થઇ રહ્યુ છે તે જોતા ૬૫ ટકા ઉપર મતદાન થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

રાજયમાં ૧ વાગ્‍યા સુધીમાં ૩૪.૭૪, ૨ વાગ્‍યે ૩૯ થી ૪૦ ટકા તથા ૪ વાગ્‍યા સુધીમાં ૫૦ ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. આજના મતદાનની ટકાવારી રેકોર્ડ નોંધાવે તો પણ નવાઇ નહિ તેવુ લાગે છે. દરમ્‍યાન આજે વિવિધ પક્ષોમાં પોતપોતાના વિજયના દાવા-પ્રતિદાવા રજુ કર્યા છે. આજે મતદાન દરમ્‍યાન વૃધ્‍ધોથી લઇને યુવાવર્ગમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

બપોરે ૨ વાગ્‍યા સુધીમાં ૩૯% મતદાન, સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં ૪૩% મતદાન, સૌથી ઓછુ મહિસાગર જિલ્લામાં ૩૪% મતદાન, બનાસકાંઠા જિલ્લામાં ૪૩% મતદાન, પાટણ જિલ્લામાં ૩૯% મતદાન, મહેસાણા જિલ્લામાં ૪૦% મતદાન, સાબરકાંઠા જિલ્લામાં ૪૩% મતદાન, અરવલ્લી જિલ્લામાં ૪૨% મતદાન, ગાંધીનગર જિલ્લામાં ૪૧% મતદાન, અમદાવાદ જિલ્લામાં ૩૫% મતદાન, આણંદ જિલ્લામાં ૪૨% મતદાન, ખેડા જિલ્લામાં ૪૧% મતદાન, મહિસાગર જિલ્લામાં ૩૪% મતદાન, પંચમહાલ જિલ્લામાં ૪૧% મતદાન, દાહોદ જિલ્લામાં ૩૯% મતદાન, વડોદરા જિલ્લામાં ૩૯% મતદાન, છોટાઉદેપુર જિલ્લામાં ૪૩% મતદાન થયુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અંતરિયાળ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ મતદાનને લઈ મતદારો ઉત્‍સાહી જોવા મળ્‍યા. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કણજરા ગામેથી ટીમલા ગામે મતદાન કરવા માટે મતદારો હોડીમાં બેસી પહોંચ્‍યા. મતદાન કરવા મતદારો હોડીમાં ૩થી ૪ કિલોમીટરનું અંતર કાપીને મતદાન મથકએ પહોંચ્‍યા હતા.

કાલોલ તાલુકાના અલાલી બુથના પ્રિસાઇડિંગ ઓફિસરને હાર્ટ એટેક આવતા ૧૦૮ બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા છે. ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સ્‍થાનિકોની મદદથી તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્‍પિલમાં ખસેડાયા છે.

બહુચરાજી તાલુકાના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્‍કાર કર્યો છે. ગામની પડતર માંગણી પુરી નહીં થતા ચૂંટણીનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો છે. સવારથી બરીયફ ગામમાં મતદાન શરૂ પણ થયું નથી. પીવાના પાણી, બોર સહિત વર્ષો જૂની માંગણીઓ ન સંતોષાતા ગ્રામજનો મતદાનથી અળગા રહ્યા છે.

ખેરાલુ વિધાનસભામાં ત્રણ ગામ દ્વારા ચૂંટણીનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો છે. વરેઠા, ડાલીસણા અને ડાવોલ ગામ દ્વારા રૂપેણ નદી જીવંત કરવાની અને ગામ તળાવ ભરવાની માંગણી કરવામાં આવી રહી છે. અત્‍યરા સુધીમાં આ ત્રણ ગામમાં એક પણ વોટ પડ્‍યો નથી. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આ ત્રણ ગામ મતદાનથી અળગા રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાડા ગામે લગ્નનાં સાત ફેરા ફરી નવદંપત્તિ મતદાન મથકે પહોંચ્‍યું હતું, મતદાન કર્યા બાદ વરરાજાએ કહ્યું હતું કે, મતદાન અમારો અધિકાર, મતદાન અવશ્‍ય કરવું જોઈએ.

બાયડના ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારે તેમના વતન માલપુર ખાતે મતદાન કર્યું છે. ભીખીબેને માલપુરની પી.જી મહેતા હાઈસ્‍કૂલ ખાતે મતદાન કરીને વિજયનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે.

આણંદના લોકોમાં મતદાનને લઇ ભારે ઉત્‍સાહ જોવા મળ્‍યો. આણંદમાં રમેશ શાહ નામના દર્દીનું ૪૮ કલાક અગાઉ બ્રેઈન હેમરેજનું ઑપરેશન થયું હવા છતાં તેઓ હોસ્‍પિટલથી વોટિંગ કરવા માટે મતદાન મથકે પહોંચ્‍યા હતા. મતદાન કર્યા બાદ તેમણે તમામ લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.

કાંતિ ખરાડી મુદ્દે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરાતા ચૂંટણી પંચે તુરંત જ તપાસના આદેશ આપ્‍યા હતા. જે બાદ ચૂંટણી પંચે જણાવ્‍યું કે, કાંતિ ખરાડી પર કોઈ હુમલો કે અપહરણ થયું ન હતું. પોલીસના અનુરોધ છતાં ફરિયાદ કરવાનું કાંતિ ખરાડીએ ટાળ્‍યું હતું.

બનાસકાંઠા જિલ્લાના થરાદના ગામડાઓમાં મતદાનને લઈને જાગળતિ નજરે પડી. અહીં ૯૮ વર્ષની ઉંમરના વડીલ ચાલી ન શકતા હોવા છતાં ૨ લોકોના ટેકે મતદાન કરવા માટે પહોંચ્‍યા હતા.

રાજ્‍યસભા સાંસદ શક્‍તિસિંહ ગોહિલે મતદાન કર્યું છે. શક્‍તિસિંહ ગોહિલે ગાંધીનગર ખાતે વોટિંગ કરીને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી છે.

AAPÞë CM ફેસ ઈસુદાન ગઢવીએ મતદાન કર્યુ છે. ઈસુદાન ગઢવીએ ઘુમામાં મતદાન કર્યુ છે. તેમણે લોકશાહીના પર્વની ઉજવની કરીને મતદાન કરવાની લોકોને અપીલ કરી છે.

બરવાળા તાલુકાના ભીમનાથ ગામે ભીમનાથ મહાદેવ જગ્‍યાના મહંતે મતદાન કર્યા બાદ જણાવ્‍યું કે, લોકશાહીના પર્વમાં મતદાન કરવું જરૂરી છે, ૮૦ ટકાથી ઓછું મતદાન લોકશાહીની નિષ્‍ફળતા છે.

આણંદ જિલ્લાની ૭ વિધાનસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્‍યારે આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને NRI મતદારોએ લોકોનું ખાસ ધ્‍યાન દોર્યું છે, આજે NRI મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે હાલ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્‍યારે પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ બીજા તબક્કામાં મતદાન અને મતદારોનો ઉત્‍સાહ વધારવા હાલોલના એક વેપારીએ અનોખી સ્‍કીમ માર્કેટમાં મૂકી છે. હાલોલના ખમણ હાઉસના માલિક દ્વારા મતદાનનું ચિન્‍હ બતાવી ખમણની એક ડિશ મફત આપવાની જાહેરાત કરવામાં છે. ખમણની આ ઓફરને લઈ મતદારોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો હોંશે હોંશે મતદાન કરેલ આંગળીનું ચિન્‍હ બતાવી ખમણ આરોગી રહ્યા છે. અત્‍યાર સુધી આ ઓફરનો અંદાજીત ૬૦૦થી વધુ મતદારોએ લાભ લીધો છે.

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના ચ્‍સ્‍પ્‍માં ખામી સર્જાતા મતદારોની લાંબી લાઈનો લાગી છે. ચ્‍સ્‍પ્‍માં ખામી સર્જાતા ગામ લોકોએ કેબિનેટ મંત્રી અર્જુનસિંહને ચૌહાણને જાણ કરી હતી.જે બાદ અર્જુનસિંહ ચૌહાણ તુરંત કેસરા ખાતે  પહોંચ્‍યા હતા. તેઓએ પ્રિસાઇડિંગ ઓફિસરને વહેલી તકે મતદાન શરૂ કરાવવા અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. ૧૦૦ વર્ષીય હીરાબા વ્‍હિલ ચેરમાં મત આપવા માટે આવ્‍યા હતા.

દીવ-દમણ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે પરીવાર સાથે હિંમતનગરના પોલોગ્રાઉન્‍ડ વિસ્‍તારમાં આવેલા મતદાન મથકે મતદાન કર્યું છે. પેટલાદના પૂર્વ ધારાસભ્‍ય નિરંજન પટેલે મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, નિરંજન પટેલ કોંગ્રેસમાંથી સતત ૪ ટર્મ ધારાસભ્‍ય રહી ચૂકયા છે. કોંગ્રેસે આ વખતે નિરંજન પટેલની ટિકિટ કાપી નાખી હતી.

મોંઘવારી, બેરોજગારી અને મંદીના વિરોધ સાથે બાપુનગરમાં કોંગ્રેસના -વક્‍તા અમિત નાયકે ફાટેલા કપડા સાથે મતદાન કર્યું હતું. ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબ્‍બો તથા ગેસના બાટલા સાથે તેઓ મતદાન મથકે પહોંચ્‍યા હતા. ત્‍યારબાદ મતદાન મથકની અંદર ફાટેલા કપડાં પહેરીને જઈને વિરોધ સાથે મતદાન કર્યું હતું.

(4:03 pm IST)