Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ઇરાનમાં હિજાબ વિરૂધ્‍ધ ર મહિનાથી ચાલતા આંદોલન બાદ ઇસ્‍લામિક સરકાર ઝુકીઃ હિજાબ પહેરવાના દાયકાં જુના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય

હિજાબ વિરૂધ્‍ધ આંદોલનથી અત્‍યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવેલઃ ઇરાનમાં હિજાબ નહી પહેરનાર મહિલા સામે કાર્યવાહી કરવાનો કાયદો અમલમાં છે

ઈરાનમાં હિજાબ વિરુદ્ધ બે મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં અત્યાર સુધીમાં સેંકડો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે. એવામાં હવે ઈરાનની ઈસ્લામિક સરકાર લોકોની આ માંગ આગળ હાર માનવા તૈયાર થઈ ગઈ છે. મળતા અહેવાલો અનુસાર સરકારે લોકોની આ માંગ આગળ નમતું મૂકવાનું મન બનાવી લીધું છે અને ઈરાનની સરકારે દાયકાઓ જૂના આ કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.  જણાવી દઈએ કે ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું જરૂરી છે અને જો તેઓ આમ ન કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે. 

આ કિસ્સો ત્યારથી શરૂ થયો હતો જ્યારે 16 સપ્ટેમ્બરે કુર્દિશ મૂળના 22 વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. મહસા અમીની એ હિજાબ ઉતારવા બદલ કસ્ટડીમાં લીધા બાદ પોલીસે તેનાં પર અત્યાચાર ગુજાર્યો હતો.જોકે આ કિસ્સા પર ઈરાની પ્રશાસન સતત સ્પષ્ટતા આપતા કહી રહી છે કે મહસાનું મૃત્યુ એક અકસ્માત હતું. 

અમીનીના મૃત્યુ પછી શરૂ થયેલ આ આંદોલન ફક્ત ઈરાનમાં જ નહીં પણ અન્ય ઘણા દેશોમાં પંહોચ્યું હતું. જણાવી દઈએ કે ઈરાને આ આંદોલનને અમેરિકા અને બ્રિટનનું કાવતરું ગણાવ્યું હતું. આ આંદોલન સમયે મહિલાઓએ તેમના હિજાબ ઉતાર્યા અને જાહેરમાં સળગાવી દીધા હતા અને આ દરમિયાન પોલીસે પણ ઘણી જગ્યાએ કાર્યવાહી કરી હતી. એ કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.હાલમાં જ ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ ઝફર મોંતાજેરીએ કહ્યું હતું કે સંસદ અને ન્યાયતંત્ર બંને આ મામલાના ઉકેલ માટે કામ કરી રહ્યા છે. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર હજુ સુધી એટર્ની જનરલે સ્પષ્ટતા નથી કરી કે આ કાયદામાં કયા ફેરફારો પર વિચાર કરવામાં આવી રહ્યો છે પણ બુધવારે સંસદના કલ્ચર કમિશનની બેઠક મળી .

જણાવી દઈએ કે એપ્રિલ 1983થી ઈરાનમાં મહિલાઓ માટે હિજાબ પહેરવું જરૂરી છે. અમેરિકા સ્થિત રાજાશાહીને ઉથલાવી દીધા પછી ઈરાનમાં ઈસ્લામિક ક્રાંતિ થઈ અને ત્યારથી જ હિજાબ ફરજિયાત કરવામાં આવ્યો છે. એ સમયથી જ તે એક સંવેદનશીલ મુદ્દો  રહ્યો છે. એક તરફ રૂઢિચુસ્તો છે જે તેને ફરજિયાત બનાવવાની તરફેણમાં છે અને બીજી બાજુ સુધારાવાદીઓ છે જેઓ તેની વિરુદ્ધ છે.  મહસા અમીનીના મૃત્યુ પછી ચાલુ થયેલ આંદોલન વિશે વાત કરતાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક જનરલે કહ્યું હતું કે મહસા અમીનીના મૃત્યુને લઈને થયેલા આંદોલનને કારણે અત્યાર સુધી લગભગ 300 લોકોએ જીવ ગુમાવ્યા છે, જો કે કેટલાક માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે 448 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય યુએન રાઈટ્સ ચીફનું કહેવું છે કે ઈરાનમાં બાળકો અને મહિલાઓ સહિત 14 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

(12:00 am IST)