Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

મહારાષ્ટ્ર પોલીસે પાલઘરના કાસા વિસ્‍તારમાંથી માંસનો 21 હજાર કિગ્રા જથ્થો ઝડપાયો: તાલીમનાડુના બે શખ્‍સની ધરપકડ

ખોટું નિવેદન આપીને ભાગવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. Photo : Paldhar gaumas

 

નવી દિલ્હી,: મહારાષ્ટ્ર પોલીસે પાલઘરના કાસા વિસ્તારમાંથી 21,018 કિગ્રા ગૌમાંસ જપ્ત કર્યું છે.

સાથે મામલે તમિલનાડુના 2 શખ્સ (રાજેન્દ્ર અને રંજીત કુમાર)ની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ કથિત રીતે ગૌમાંસને એક કન્ટેનર ટ્રકમાં તમિલનાડુથી થાણે લઈ જઈ રહ્યા હતા. પાલઘર પોલીસ દ્વારા પકડવામાં આવેલા બીફની કિંમત 20.6 લાખ રૂપિયા જેટલી છે. એક અધિકારીએ શનિવારે જાણકારી આપી હતી.

વરિષ્ઠ નિરીક્ષક અજય વસાવેએ જણાવ્યું કે, એક ગુપ્ત સૂચનાના આધાર પર જિલ્લા ગ્રામીણ પોલીસે પાલઘરમાં મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ પર ઘોલ ગામમાં જાળ બિછાવી હતી અને એક કન્ટેનર ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ગૌમાંસ તમિલનાડુથી રાજ્યમાં લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટર્સે ખેપ અંગે ખોટું નિવેદન આપીને ભાગવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ પકડાઈ ગયા હતા.

વાહનમાંથી 20 લાખના મૂલ્યનું કુલ 21,018 કિગ્રા ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર ખેપ તલોજા પહોંચાડવાની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેઓ બંને તમિલનાડુના અરિયાલુરના રહેવાસી છે. પોલીસે કન્ટેનર ટ્રકના માલિક તથા ગુનામાં સંકળાયેલા અન્ય લોકો વિરૂદ્ધ આઈપીસીની કલમ, મહારાષ્ટ્ર પશુ અધિનિયમ અને પશુ ક્રૂરતા અધિનિયમ સંબંધી ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે

(2:36 pm IST)