Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

ભારતના ઉત્તરપૂર્વિય રાજય નાગાલેન્‍ડમાં સુરક્ષા દળોના ઓપરેશનમાં 13 લોકો અને એક જવાન શહીદ થયા

આ ઘટના ત્યારે ઘટી જ્યારે સુરક્ષા દળોએ આ લોકોને એનએસસીએન ના શંકાસ્પદો સમજી લીધા: રિપોર્ટ અનુસાર ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી: નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી છે.

 

નવી દિલ્હી :  ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડમાં શનિવારે સાંજે ફાયરિંગની બહુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં અત્યારસુધી 13 નાગરિકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. ફાયરિંગની ઘટના બાદ જોવા મળેલા ફોટોમાં ગાડીઓ સળગતી દેખાય છે. આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લા (Mon District)ના ઓટિંગની છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે સુરક્ષા દળોએ આ લોકોને એનએસસીએન (NSCN)ના શંકાસ્પદો સમજી લીધા. રિપોર્ટ અનુસાર ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી.

નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી છે. આ મામલાની તપાસ માટે તેમણે SITની રચના કરી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે, મોનના ઓટિંગમાં નાગરિકોની હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. આ ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય એસઆઈટી કરશે અને દેશના કાયદા અનુસાર ન્યાય અપાવશે, હું દરેક વર્ગને શાંતિની અપીલ કરું છું.

ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરી કે નાગાલેન્ડના ઓટિંગની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું બહુ વ્યથિત છું. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ ઘટનાની ઊંડી તપાસ કરશે જેથી શોકગ્રસ્ત પરિવારોને ન્યાય મળે.

 

(12:09 pm IST)