Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

વિનાયક દામોદર સાવરકરનું હિંદુત્વ RSS કરતાં અલગ હતું

ઈતિહાસકાર ડૉ. વિક્રમ સંપતની સાવરકર અંગે ચર્ચા : સાવરકરના મોટાભાઈ RSSના સંસ્થાપકોમાં હતા પરંતુ સાવરકર અને સંઘના સંબંધો હંમેશા ઉપર-નીચે થતા રહ્યા

નવી દિલ્હી, તા. : ઈતિહાસકાર ડો. વિક્રમ સંપતે દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સાવરકર અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. તેમના કહેવા પ્રમાણે વિનાયક દામોદર સાવરકરનું હિંદુત્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) કરતાં અલગ હતું અને તેમના સંઘ સાથેના સંબંધો પણ ઉતાર-ચઢાવવાળા હતા.

ડો. વિક્રમ સંપતે જણાવ્યું કે, 'આપણે લોકો હિંદુ રાષ્ટ્ર અંગે જે વિચાર રાખીએ છીએ તે પણ ખૂબ ખોટા છે. લોકો પણ નથી જાણતા કે, સાવરકર આરએસએસનો હિસ્સો નહોતા. તેમના મોટાભાઈ બાબારાવ આરએસએસના સંસ્થાપકોમાં હતા પરંતુ સાવરકર અને સંઘના સંબંધો હંમેશા ઉપર-નીચે થતા રહ્યા. જ્યારે ગોલવલકર આરએસએસના સરસંઘચાલક હતા ત્યારે તેમના સાથે ખૂબ મતભેદ હતા. તેમણે એક ખૂબ લોકપ્રિય નિવેદન આપ્યું હતું કે, આરએસએસના સ્વયંસેવકની સમાધિ પર કશું લખવામાં આવે કે જીવનમાં તેમની ઉપલબ્ધિ શું હતું તો ફક્ત વાતો હશે. પહેલું- તેમનો જન્મ થયો, પછી આરએસએસમાં સામેલ થયા અને પછી નિધન થઈ ગયું. તે સિવાય તેની અન્ય કોઈ ઉપલબ્ધિ નથી. સાવરકરનું હિંદુત્વ અલગ છે. આરએસએસના હિંદુત્વની પરિકલ્પના અલગ હતી અને ગોડસેનું હિંદુત્વ અલગ હતું.'

સાવરકરના હિંદુત્વ અંગે જણાવતા ડો. વિક્રમ સંપતે કહ્યું કે, તેઓ જ્યારે રત્નાગિરીની જેલમાં હતા ત્યારે હિંદુત્વની પરિકલ્પના કરી. તે સમયે દેશભરમાં ખિલાફત આંદોલન ચાલી રહ્યું હતું. તેમણે એક પુસ્તકમાં લખ્યું કે, આખરે કોણ હિંદુ છે. તે ધર્મ સાથે સંકળાયેલી વસ્તુ નથી પરંતુ સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદ સાથે સંકળાયેલી છે, જે દેશ સાથે પોતાની વફાદારી રાખે છે. બાદમાં તેઓ જ્યારે હિંદુ મહાસભાના અધ્યક્ષ બન્યા ત્યારે તમામ ભાષણોમાં અંગે સ્પષ્ટ બોલ્યા હતા. તેમના મતે હિંદુ રાષ્ટ્રમાં કોઈ મેજોરિટી-માઈનોરિટીમાં નહીં રહે. કાયદાની દૃષ્ટિએ સૌ સમાન હશે.

(12:00 am IST)