Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

જો વિરોધ પક્ષોમાં એકતા ન હોય તો ભાજપનો રાજકીય વિકલ્પ બનવાની વાતો બંધ કરવી જોઈએ : શિવસેનાએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

શિવસેનાએ કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટીને રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવી અને તેના વગર યુપીએની સમાંતર વિપક્ષી ગઠબંધન બનાવવુ એ સત્તાધારી ભાજપ અને અન્ય દળોને મજબૂત કરવા સમાન

મુંબઈ :તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની નિંદા કરતા શિવસેનાએ કહ્યું હતું કે દેશની સૌથી જૂની પાર્ટીને રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખવી અને તેના વગર યુપીએની સમાંતર વિપક્ષી ગઠબંધન બનાવવી એ સત્તાધારી ભાજપ અને અન્ય દળોને મજબૂત કરવા સમાન છે. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં કહ્યું કે જેઓ કોંગ્રેસની આગેવાની હેઠળની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકાર નથી ઈચ્છતા તેઓએ પોતાનું વલણ જાહેર કરવું જોઈએ અને પીઠ પાછળ વાત કરીને ભ્રમ ઉભો ન કરવો જોઈએ.

સાથે જ એમ પણ કહ્યું કે જેઓ ભાજપ સામે લડી રહ્યા છે, જો તેઓ પણ માને છે કે કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઈ જવું જોઈએ તો આ સ્ટેન્ડ સૌથી મોટો ખતરો છે. જો વિરોધ પક્ષોમાં એકતા ન હોય તો ભાજપનો રાજકીય વિકલ્પ બનાવવાની વાતો બંધ કરવી જોઈએ. શિવસેનાએ આ ટિપ્પણી મમતા બેનર્જીની તાજેતરની મુંબઈ મુલાકાતના સંદર્ભમાં કરી છે. મુંબઈની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ નિવેદન આપ્યું હતું કે હવે યુપીએ નથી.

TMCના મુખપત્ર જાગો બાંગ્લાએ શુક્રવારે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે તે ડીપ ફ્રીઝરમાં ગઈ છે. જાગો બાંગ્લાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચહેરા તરીકે ઉભરી આવ્યા છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નહીં. શિવસેનાએ કહ્યું કે મમતા બેનર્જીની મુંબઈ મુલાકાત બાદ વિરોધ પક્ષો એક્શનમાં આવી ગયા છે.

એ પણ કહ્યું કે ભાજપનો મજબૂત વિકલ્પ બનાવવા પર સહમતિ સધાઈ છે, પરંતુ મહાગઠબંધનમાં કોને સાથે લેવા જોઈએ અને કોને તેનાથી દૂર રાખવા જોઈએ તે ચર્ચા થઈ રહી છે. પરંતુ જો સર્વસંમતિ ન હોય તો ભાજપને ટક્કર આપવાની વાત કોઈએ ન કરવી જોઈએ. નેતૃત્વ એ મુખ્ય મુદ્દો નથી, પરંતુ ઓછામાં ઓછું એકસાથે આવવા અંગે નિર્ણય લેવો પડશે.

(12:00 am IST)