Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

વોશિંગ્ટનના પાક. એમ્બેસીના કર્મીઓને પગાર નથી મળ્યો

આર્થિક રીતે પાકિસ્તાન સાવ જ કંગાળ બની ગયું : એક કર્મચારીએ તો ચાર મહિનાથી પગાર નહીં મળવાના કારણે સપ્ટેમ્બર મહિનામાં રાજીનામું આપી દીધું

ઈસ્લામાબાદ, તા.૪ : આર્થિક રીતે કંગાળ બની ગયેલા પાકિસ્તાનના વિવિધ દેશોની એમ્બેસીના કર્મચારીઓને પગારના ફાંફા પડી રહ્યા છે.

યુરોપના સર્બિયા નામના દેશ બાદ હવે અમેરિકાના વોશિંગ્ટન સ્થિત એમ્બેસીના કેટલાક કર્મચારીઓને પણ પગાર નહીં ચુકવાયો હોવાનુ બહાર આવ્યુ છે.છેલ્લા ચાર મહિનાથી આ કર્મચારીઓને પગાર મળ્યો નથી.

સૂત્રોનુ કહેવુ છે કે, પાંચ કર્મચારીઓ એવા છે જેમને પગાર આપવામાં આવ્યો નથી અને આ પૈકીના એક કર્મચારીએ તો પગાર નહીં મળવાથી સપ્ટેમ્બર મહિનામાં રાજીનામુ આી દીધુ હતુ.આ કર્મચારીઓ વાર્ષિક કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખવામાં આવ્યા છે.

સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ જે તે દેશના સ્થાનિક નાગરિકો હોય છે અને તેઓ એમ્બેસીના સંચાલનમાં મદદ કરતા હોય છે.આવા કર્મચારીઓને પાકિસ્તાનો કોમ્યુનિટી વેલફેર ફંડમાંથી પગાર આપવામાં આવે છે.

સૂત્રોનુ કહેવુ છે કે, આ ફંડમાં ગયા વર્ષથી ઘટાડો થવા માંડ્યો છે.કારણકે કોરોના બાદ તેમાંથી વેન્ટિલેટર અને બીજા ઉપકરણો ખરીદવામાં આવ્યા છે.જેના પગલે એમ્બેસી પગાર ચુકવવા માટે સંઘર્ષ કરી રહી છે.

(12:00 am IST)