Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પ્રથમ તબક્કાના રસીકરણ માટે ચાર પ્રાયોરિટી ગ્રુપની ઓળખ

કોરોના વેક્સિનને આપવાની તૈયારીનો ધમધમાટ : હેલ્થકેર વર્કર્સ, બીજું ફ્રન્ટલાઈન કામદારો, ત્રીજા ૫૦ વર્ષથી વધુ વયના, ગંભીર બીમારીઓવાળાઓનો સમાવેશ કરાયો

નવી દિલ્હી, તા. : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતે, આવતા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસ રસી તૈયાર થઈ જશે. તેમણે શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે 'વૈજ્ઞાનિકો તરફથી ગ્રીન સિગ્નલ મળતાની સાથે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ રસીકરણ અભિયાન અંગે વિગતવાર કશું કહ્યું હતું, પરંતુ કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં કોને રસી મળશે, તેના પર કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો તરફથી મળેલા સૂચનોના આધારે પણ કામ કરી રહી છે. સરકારે પ્રથમ તબક્કા માટે ચાર પ્રાયોરિટી ગ્રૂપ્સની ઓળખ કરી છે. આમાં આવશ્યક સેવાઓ તેમજ કોવિડ -૧૯નું વધુ જોખમ ધરાવતા લોકો શામેલ હશે. પીએમ મોદીએ ગ્રૂપ્સ વિશે પણ જણાવ્યું. ચાર પ્રાયોરિટી ગ્રૂપ્સ ક્યા છે અને તેમાં કોનો કોનો સમાવેશ થશે, આવો જાણીએ

પહેલું પ્રાયોરિટી ગ્રુપ છે હેલ્થકેર વર્કર્સ. તેમાં એવા લોકો આવે છે જેઓ મહામારીની શરુઆતથી તેની સામે યુદ્ધ લડી રહ્યા છે. જેમાં ડોકટરો, નર્સો, પેરામેડિક્સ, હેલ્થ કેર સપોર્ટ સ્ટાફ જૂથમાં સામેલ થશે. કારણ કે તેઓ સૌથી વધુ કોવિડ દર્દીઓના સંપર્કમાં આવે છે. સૌથી વધુ ચેપનું જોખમ પણ તેમને રહેલું છે. આવી સ્થિતિમાં તેઓને કોરોના રસી પર પ્રથમ અધિકાર રહેશે.

સરકારનું બીજું અગ્રતા જૂથ ફ્રન્ટલાઈન કામદારોનું છે. હેલ્થ કેર ઉપરાંત બીજી ઘણી સેવાઓ એવી છે જેણે મહામારીના સમયમાં પણ નાગરિકોની સંભાળ લેવાનું બંધ નથી કર્યું. સેના, પોલીસ, ફાયર બ્રિગેડ, મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા ક્ષેત્રો તેનો ભાગ બનશે. એવા લોકો છે કે જેમણે મહામારી દરમિયાન દેશની સંરક્ષણ અને નાગરિક જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું છે, તેથી તેઓ કોવિડ રસીની સૂચિમાં બીજા સ્થાને રહેશે. હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ પછી, જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે તેમને રસી આપવામાં આવશે. કોવિડ -૧૯ની અસર વૃદ્ધ લોકો પર વધુ જોવા મળી છે. ૫૦ વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં મૃત્યુનાં આંકડાઓ પણ વધારે છે. આવી સ્થિતિમાં પ્રથમ રસી લેવી જરૂરી છે. સરકારે વૃદ્ધોને અગ્રતાની સૂચિમાં ત્રીજા નંબરે મૂક્યા છે. એટલે કે, જો તમારી ઉંમર ૫૦ વર્ષથી વધુ છે. તો પછી પ્રથમ તબક્કામાં તમને રસી આપવામાં આવશે.

ચોથું પ્રાયોરિટી ગ્રૂપ એવા લોકોનું હશે જેની ઉંમર ૫૦ વર્ષથી ઓછી હશે પરંતુ તેમને પહેલેથી ગંભીર બીમારીઓ છે. તે પ્રથમ તબક્કાનું બીજું સૌથી મોટું અગ્રતા જૂથ હશે. બે અથવા તેનાથી વધુ બીમારી ધરાવતા લોકોને 'હળવા, મધ્યમ અને ગંભીર' માં વર્ગીકૃતકરી શકાય છે જેથી તે મુજબ રસીકરણ માટે બોલાવી શકાય. હળવા કિડની રોગવાળા દર્દીઓ અથવા મધ્યમ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ પ્રથમ તબક્કામાં બાકાત રાખવામાં આવે તેવી શક્યતા છે.

(7:29 pm IST)