Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ભારતના વિદેશ મંત્રી 7 ડિસેમ્‍બરે કોરોના વિશે થનારી બેઠકમાં સામેલ નહીં થાયઃ કેનેડામાં ભારત વિરોધી પ્રદર્શન શરૂ કરાતા નિર્ણય

ખેડૂત આંદોલનને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની ટિપ્પણીને લઈને ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. હવે વિદેશ મંત્રી એસ જયશંકરે કોરોના વાઈરસનો સામનો કરવા માટે કેનેડા સાથે યોજાનારી બેઠકમાં સામેલ ના થવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભારતે કેનેડાને જાણ કરી દીધી છે કે, ભારતના વિદેશ મંત્રી 7 ડિસેમ્બરે કોરોના પર થનારી બેઠકમાં સામેલ નહીં થાય.

બીજી તરફ જસ્ટિન ટ્રૂડોની ટિપ્પણી બાદ કેનેડામાં ભારત વિરોધી પ્રદર્શન શરૂ થઈ ગયા છે. ભારતે ચિમકી ઉચ્ચારી હતી કે, ખેડૂત આંદોલન પર કેનેડાના નેતાઓની ટિપ્પણીથી ત્યાં ભારત વિરોધી તાકાતો મજબૂત બનશે. કેનેડામાં ભારતના કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન અને માર્ચનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે.

ભારતે કેનેડાના હાઈકમિશનને સમન્સ મોકલીને આકરો સંદેશ આપ્યો છે. ભારતે કહ્યું કે, કેનેડાના પ્રધાનમંત્રીની ટિપ્પણીથી બન્ને દેશોના સબંધો પર વિપરીત અસર પડી શકે છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં PM ટ્રૂડોની ટિપ્પણી ગેરવ્યાજબી ઠેરવી જણાવ્યું કે, રાજનીતિક ફાયદા માટે કોઈ લોકતાંત્રિક દેશના આંતરિક મુદ્દામાં હસ્તક્ષેપ ના કરે તે જ સારુ રહેશે. આ સાથે જ તેમણે ટ્રૂડોના નિવેદનને બેજવાબદાર પૂર્ણ ગણાવ્યું હતુ.

બીજી તરફ ભારતમાં કેનેડાના હાઈકમિશનને સમન્સ મોકલવા છતાં કેનેડાના રાજનેતા કહી રહ્યાં છે કે, તેઓ ભારતીય ખેડૂતોના અધિકારો માટે લડતા રહેશે. જેમાં કેનેડાના પીએમ ટ્રૂડો  પણ સામેલ છે. કેનેડાના PM ટ્રૂડોએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર ચિંતા વ્યક્ત કરી હતી.

(4:50 pm IST)