Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

પાકિસ્તાની નાગરિકો માટે UAEમાં વર્ક વિઝા ઉપર પ્રતિબંધ

ઇમરાન સરકારની ભૂલભરેલી વિદેશ નીતિનો ભોગ બની રહેલા પાકિસ્તાની નાગરિકો : મુસ્લિમ રાષ્ટ્રો ઉપર સાઉદી અરેબિયાના નેતૃત્વ વિરૂધ્ધ બંડ પોકારનાર તુર્કીને આપેલું સમર્થન જવાબદાર

ઇસ્લામાબાદ તા. ૫ : મુસ્લિમ રાષ્ટ્રો ઉપર સાઉદી અરેબિયાના નેતૃત્વ વિરૂદ્ઘ બંડ પોકારનાર તુર્કી, ઈરાન તથા મલેશિયાને સમર્થન ઘોષિત કરનાર પાકિસ્તાન સરકારની ભૂલભરેલી નીતિનો ભોગ તેના નાગરિકો બની રહ્યા છે. જેઓ માટે રોજીરોટી ઉપર કાપ આવી ગયો છે.

જે મુજબ યુ.એ.ઈ.સરકારે પાકિસ્તાની નાગરિકોને વર્ક વિઝા આપવાનું બંધ કરી દીધું છે. કુલ ૧૩ મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકો માટે યુ.એ.ઈ.એ વર્ક વિઝા ઉપર પ્રતિબંધ મૂકી દેતા શરૂઆતમાં કોવિદ -૧૯ નું કારણ હોવાનું અનુમાન હતું પરંતુ ભારતના નાગરિકોને અપાતા વર્ક વિઝા ચાલુ રખાતા કોવિદ -૧૯ ના કારણનો છેદ ઉડી ગયો છે. સાથોસાથ પાકિસ્તાની નાગરિકોની જગ્યાએ ભારતીય મૂળના નાગરિકોને કામ મળવા લાગતા ભારતને ફાયદો થયો છે. અમુક નિષ્ણાતોના મતે પાકિસ્તાની નાગરિકોને વર્ક વિઝા આપવાનું બંધ કરાવવામાં ઇઝરાઇલનો હાથ છે.

સામે પક્ષે પાકિસ્તાની અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. જે મુજબ વિદેશોમાં વસતા પાકિસ્તાની નાગરિકો દ્વારા વતનમાં મોકલતા ફંડમાં સાઉદી અરેબિયા તથા યુ.એ.ઈ.પ્રથમ તથા બીજા ક્રમે છે. જે રકમ આવતી બંધ થઇ જવાથી અર્થતંત્રને મોટી અસર થવા પામી છે.

ઉપરાંત પાકિસ્તાને સાઉદી અરેબિયા વિરુદ્ઘ તુર્કીને સમર્થન ઘોષિત કરતા સાઉદી અરેબિયાએ ૨૦૧૯ની સાલમાં પાકિસ્તાનને ફાળવેલી ૩ અબજ ડોલરની રકમની ઉઘરાણી શરૂ કરી દીધી છે. જોકે તુર્કીએ કાશ્મીર પ્રશ્ને ભારત વિરુદ્ઘ પાકિસ્તાનને સાથ આપવાનું શરૂ કરી દીધું છે. ઉપરાંત ભારત વિરૂદ્ઘ શીંગડા ભરાવવા પાકિસ્તાન ચીનના પણ પડખામાં ઘુસ્યું છે.જે ચીન પાકિસ્તાન કોરિડોર દ્વારા પુરવાર થઇ રહ્યું છે.તેવું asia.nikkei.com દ્વારા જાણવા મળે છે.

(3:18 pm IST)