Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

૧૦ ડિસેમ્બરે નવા સંસદ ભવનનું ભૂમિ પૂજન

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટાને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે

નવી દિલ્હી, તા.૫: નવા સંસદભવનનું ભૂમિપૂજન ૧૦ ડિસેમ્બરે થશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીના હાથે નવા સંસદભવનનું ભૂમિપૂજન થશે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટાના એક ભાગનું ભૂમિપૂજન થશે. સંસદના દિગ્ગજોની હાજરીમાં આ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે.

આ નવું સંસદ ભવન ૬૫ હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. જયારે વર્તમાન સંસદ ભવન ૪૪,૯૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલું છે.

વર્તમાન સંસદભવનમાં લોકસભાની ૫૫૨ બેઠકો છે, અને રાજયસભાની ૨૪૫ બેઠકો માટેની વ્યવસ્થા છે. જયારે નવા સંસદ ભવનમાં લોકસભાની ૮૮૮ બેઠકો અને રાજયસભાની ૩૮૪ બેઠકો સાથે કુલ ૧૨૭૨ સંસદસભ્યો માટેની વ્યવસ્થા છે.

નવા ભવનમાં કુલ ૧૨૦ ઓફીસો આવેલી છે અને તેના ૬ દરવાજા છે.

આ ઉપરાંત લાઈબ્રેરી અને મ્યુઝિયમ પણ હશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સેન્ટ્રલ વિસ્ટાને વર્ષ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. બધુ જ બરાબર રહ્યું તો ૨૦૨૨ના દિવાળીમાં ભારતીય સંસદ નવા રંગરૂપમાં જોવા મળશે. ભારતીય લોકશાહીનું મંદિર એવા સંસદને સંપૂર્ણ રીતે ભારતીય રંગરૂપમાં ઢાળવામાં આવી રહી છે અને આ પ્રોજેકટના આર્કિટેકટ બિમલ પટેલના દાવા પ્રમાણે ૨૦૨૨દ્ગક દિવાળી સુધીમાં આ નવી સંસદ તૈયાર થઈ જશે.

ભારતની નવી સંસદને સંપૂર્ણ રીતે ભારતીયકરણ જોવા મળશે અને ભારતની પોતાની સંસદની અનુભૂતિ પણ આ નવા બિલ્ડીંગમાં થશે. હાલનું સંસદ ભવન એ બ્રિટીશ અનુકૂળતા પ્રમાણે બનેલું છે જેના કારણે પ્રધાનમંત્રી મોદીએ પોતે વિશેષ રસ દાખવીને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટને હાથ પર લીધો હતો. ૨૦ હજાર કરોડથી વધુના ખર્ચે દિલ્હીના હૃદય સમા ૪ કિમી વિસ્તારનું પુનઃ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના વિસ્તારની રોનક બદલાઈ જશે.

રાષ્ટ્રપતિ ભવન, સંસદ તેમજ સરકારનું સંચાલન થાય છે તે નોર્થ અને સાઉથ બ્લોકનું પણ પુનઃનિર્માણ થવાનું છે. આ પ્રોજેકટ સાકાર થતાં જ ભારતીય રાજકારણ અને ઈતિહાસમાં મોદી યુગની અતૂટ છાપ જોવા મળશે. આ પ્રોજેકટ સાથે અનેક વિવાદો પણ સંકળાયેલા છે કારણ કે વિરોધીઓ માને છે કે, દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની સામાજીક રાજનીતિની છાપ ધરાવતા તમામ સ્થાનકોને બદલવામાં આવશે અને એટલા માટે જ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ આકાર લઈ રહ્યો છે.

જાણકારોનો દાવો છે કે, નરેન્દ્રભાઇ મોદીની આ જ કાર્ય પદ્ઘતિ છે અને તેઓ જે પણ કામ હાથ પર લે છે તેમાં તેમની છાંટ ચોક્કસ જોવા મળશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ આકાર પામ્યા બાદ ભારતીય રાજનીતિના ઈતિહાસમાં મોદી યુગની અમિટ છાપ કાયમી થઈ જશે. હાલ આ પ્રોજેકટ સામે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ થયા છે.

(3:15 pm IST)