Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

હૈદરાબાદ ચૂંટણી જંગઃ કોંગ્રેસના ડબ્બા ડૂલઃ ૧૪૬ ઉમેદવારોમાંથી ૨ જીત્યાઃ ટીડીપીનુ ખાતુ જ ન ખૂલ્યું

ભાજપે શાનદાર દેખાવ કરી ૪૯ બેઠકો મેળવી બીજુ સ્થાન પ્રાપ્ત કર્યુ

હૈદરાબાદ, તા. ૫ :. બહુચર્ચિત ગ્રેટર હૈદરાબાદની ચૂંટણીનુ પરિણામ આવી ગયુ છે. જેમાં ભાજપે જોરદાર દેખાવ કરી ૪૯ બેઠકો પર કબ્જો જમાવ્યો છે. જ્યારે એક તરફ ભગવા પક્ષને સફળતા મળી છે તો કોંગ્રેસ અને ટીડીપીને શરમજનક પરાજયનો સામનો કરવો પડયો છે.

કોંગ્રેસ અને ટીડીપી માટે પરાજય એટલા માટે શરમજનક છે કે આ બન્ને પક્ષોએ નગર નિગમની ચૂંટણીમાં ૧૦૦થી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ માત્ર બે બેઠક જ મળી અને તે પણ કોંગ્રેસને, ટીડીપીનું ખાતુ જ ન ખુલ્યું.

ભાજપ સાથે મોટાભાગની ચૂંટણીમાં પરાજયનો સામનો કરનાર કોંગ્રેસ અહીં પણ હારી ગઈ. કોંગ્રેસે ૧૫૦માંથી ૧૪૬ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમાંથી માત્ર ૨ જ જીત્યા.

કોંગ્રેસ કરતા ખરાબ સ્થિતિ ટીડીપીની રહી. તેણે ૧૦૬ ઉમેદવારો ઉભા રાખ્યા બધા હારી ગયા.

ભાજપે ૧૪૯ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જેમા તેણે ૪૯ બેઠકો મળી છે. જ્યારે ઓવૈસીના પક્ષને ત્રીજો ક્રમ મળ્યો છે. તેમના પક્ષને ૪૪ બેઠકો મળી છે. જ્યારે ટીઆરએસને ૫૬ બેઠકો પ્રાપ્ત થઈ છે.

(11:48 am IST)