Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

શું નિરાકરણ આવશે ? ૧૦૦ મણનો સવાલ

ખેડૂતોને મનાવવા વધુ એક પ્રયાસ : સરકાર સાથે પાંચમાં દોરની મંત્રણા

નવી દિલ્હી તા. ૫ : કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા વિરૂદ્ઘ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે. આ જ દિવસે ખેડૂતોએ ટોલ બૂથો પર કબજો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂનીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે જો કેન્દ્ર સરકારે શનિવારની વાતચીત દરમિયાન તેમની વાત નથી માનતી તો તેઓ નવા કૃષિ કાયદા વિરુદ્ઘ તેમનો આંદોલન વધારે તેજ કરશે. ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ હરિન્દરસિંહ લખવાલે કહ્યુ કે, 'આજની અમારી બેઠકમાં અમે આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ' કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અમે તમામ ટોલ બૂથો પર કબજો કરી લઈશું.' ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી મંત્રણા થશે. મંત્રણા પહેલા જ સરકારે જાહેરાત કરી છે કે સરકાર એમએસપી (MSP) અંગે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવા માટે તૈયાર છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યુ છે કે કિસાન યૂનિયનો તરફથી કરવામાં આવેલા માંગણીઓ પર વાતચીત ચાલી રહી છે. સાથે જ સરકારે આજે યોજાનાર બેઠકમાં સુખદ સમાધાન આવશે તેવી આશા વ્યકત કરી હતી. બેઠકની પૂર્વ સંધ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ખેડૂત નેતાઓએ આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ છે કે, 'હું ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે એમએસપીમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. જો સંઘની ઈચ્છા હોય તો અમે આ અંગે લેખિતમાં આપવા માટે તૈયાર છીએ. અમારી પ્રાથમિકતા એમએસપીને મજબૂત કરવાની રહેશે.'

નવા કૃષિ કાયદા વિરુદ્ઘ દિલ્હી સરહદે ખેડૂતો છેલ્લા નવ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર અને અન્ય રાજયોના ખેડૂતો પણ હાજર રહ્યા હતા. અહીં ખેડૂત નેતાઓએ પોતાની માંગણીનો ફરીથી ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર કૃષિ બિલને રદ કરવા માટે વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યુ કે, દેખાવકારો કાયદામાં સુધારો નહીં પરંતુ કાયદો જ રદ કરવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર પંજાબ, હરિયાણા અને અન્ય રાજયોના ખેડૂતો સતત નવમાં દિવસે પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ગુરૂવારે થયેલી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

(11:43 am IST)