Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

શિવરાજ સરકારનો મોટો નિર્ણય

૧ થી ૮ ધોરણના વર્ગો ૩૧ માર્ચ સુધી બંધ રહેશે

ભોપાલ, તા.૫: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ નું સંક્રમણ થોભવાનું નામ લઇ રહ્યા નથી. શુક્રવારના રોજ દેશમાં કોવિડ-૧૯ ના ૩૬,૫૯૫ નવા કેસ સામે આવ્યા હતા. તેની સાથે જ શુક્રવાર સુધીમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૯૫.૭૧ લાખને પાર પહોંચી ગઇ છે. તેમાંથી ૯૦ લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ચૂકયા છે. મધ્ય પ્રદેશમાં પણ કોરોનાનો ચેપ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજયની શિવરાજસિંહ ચૌહાણ સરકાર આ મહામારીથી બચવા માટે અનેક જરૂરી પગલાં લઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને રાજય સરકારે શાળાઓ ખોલવાનો મોટો નિર્ણય લીધો છે.

શિવરાજ સરકારે નિર્ણય કર્યો છે કે નર્સરીથી આઠમાં ધોરણ સુધીના વર્ગો ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી બંધ રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજયમાં આવતા પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ શુક્રવારે શિક્ષણ વિભાગની બેઠક બોલાવી હતી. જેમાં રાજયના શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમાર સહિતના વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. દરમિયાન સરકારે ૩૧ માર્ચ સુધી નર્સરીથી ૮ મી સુધીના વર્ગો શરૂ ન કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજય સરકાર દ્વારા શાળાઓ ખોલવા અને વર્ગ ચાલુ કરવાની અંગેની નવી માર્ગદર્શિકા પણ રજૂ કરવામાં આવી હતી. તેના મુજબ નર્સરીથી આઠમ ધોરણ સુધીના વર્ગો હવે નવા શૈક્ષણિક સત્રથી એટલે કે ૧ એપ્રિલ, ૨૦૨૧ થી શરૂ થશે. તેમજ ચાલુ શૈક્ષણિક સત્રનું મૂલ્યાંકન વિદ્યાર્થીઓના પ્રોજેકટ વર્કના આધાર પર કરાસે. ૫જ્રાક્ન અને ૮માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ લેવાશે નહીં.

વહેલામાં વહેલી તકે ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના મતે તેમની બોર્ડની પરીક્ષાઓ પણ લેવામાં આવશે. ૯માં અને ૧૧માં ધોરણના વર્ગના વિદ્યાર્થીઓ જો જરૂરી હોય તો અઠવાડિયામાં ફકત એક કે બે વાર શાળાએ જઇ શકે છે. મુખ્યમંત્રી શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં કેટલાંક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોની બદલી માટેની નવી નીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

(11:41 am IST)