Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

ઇ-કોમર્સ ક્ષેત્રમાં લાખો નોકરીઓની બૌછાર

કોરોના કાળ દરમ્યાન મે-૨૦૨૦થી દિવાળી સુધીમાં ઘણી કંપનીઓએ ભરતી કરીઃ ગત વર્ષ કરતા ૪૦ ટકા વધુ હાયરીંગ . ઇ.સ.૨૦૨૧ના સમગ્ર વર્ષ દરમ્યાન સીઝનલ જોબ્સની ડીમાન્ડ જળવાઇ રહેવાની આશાઃ મહિને ૨૫ હજાર સુધીનો પગાર પણ હશે.

રાજકોટ, તા.૫: વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ ૧૯)એ ભારત સહિત સમગ્ર વિશ્વના મોટા ભાગના ક્ષેત્રો ઉપર નકારાત્મક અસર કરી છે. સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક, વૈચારીક વિગેરે ક્ષેત્રો કોરોનાથી પ્રભાવિત થયા છે. લોકોની રોજગારી ઉપર પણ અસર પડી હોવાના સમાચારો સતત છેલ્લાં આઠેક મહિનાથી સાંભળવા મળી રહ્યા છે. ઘણા લોકોએ પોતાના મૂળ બિઝનેસ તથા નોકરીઓ પણ બદલી નાખી હોવાનું જોવા મળે છે. અગાઉની સરખામણીમાં અમુકને બાદ કરતા મોટા ભાગના લોકોની આવકમાં પણ ઘટાડો નોંધાયો હોવાના અભ્યાસના તારણો કહી રહ્યા છે.

આ તમામ પરિબળો વચ્ચે ઇ-કોમર્સ ક્ષેત્રે લાખો નોકરીઓની બૌછાર બોલી રહી છે. કોરોનાકાળ દરમ્યાન અને એમાં પણ ખાસ કરીને ગત મે-૨૦૨૦થી નવેમ્બર-૨૦૨૦ (દિવાળી) દરમ્યાન ભારતમાં ઘણી બધી કંપનીઓએ જરૂરીયાત મુજબ ભરતીઓ કરી છે. વૈશ્વિક મહામારી કોરોના દરમ્યાન ઇ-કોમર્સ કંપનીઓના વેચાણમાં (ઓનલાઇન વેચાણ) વધારો થયો હોવાનું જાણવા મળે છે.

કોરોના દરમ્યાન ડીમાન્ડમાં વધારો થતાં ઇ-કોમર્સ ક્ષત્રમાં અઢીથી ત્રણ લાખ જેટલી તાત્કાલિક રોજગારીઓ ડીલીવરી તથા સપ્લાય ચેઇન સંદર્ભે ઉભી થઇ છે. સ્ટાફીંગ ફર્મ ટીમલીઝના આંકડા મુજબ તહેવારોની સીઝનમાં ભારતમાં ત્રણ લાખ જેટલી તાત્કાલિક નોકરીઓ સર્જાઇ છે. મે-૨૦૨૦થી દિવાળી દરમ્યાન ઇ-કોમર્સથી મોટી કંપનીઓ તથા અન્ય ઇ-ટેલર્સ દ્વારા મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવી છે. આ સાથે જ થર્ડ પાર્ટી તરીકે લોજીસ્ટીકસ ફર્મ દ્વારા પણ ઘણી નોકરીઓ આપવામાં આવી છે. એક અભ્યાસ અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ઇ-કોમર્સ કંપનીઓએ ૪૦ ટકાથી વધુ લોકોને હાયર કર્યા છે. કોરોનાનો ભય, લોકડાઉન, અનલોક, ડીજીટલાઇઝેશન વિગેરે પરિબળો પણ આ માટે જવાબદાર ગણી શકાય.

એવું પણ અનુમાન છે કે ૨૦૨૧ના આવતા સમગ્ર વર્ષ દરમ્યાન સીઝનલ જોબ્સ તથા તહેવારો સમયે રોજગારીની ડીમાન્ડ જળવાઇ રહેશે. હાલમાં સર્જાયેલ લાખો નોકરીઓમાંથી ૧૫ થી ૨૦ ટકા જેટલી નોકરીઓ ખાસ કરીને ફેસ્ટીવ સીઝન (તહેવારોનો સમય)ની માંગ પુરી કરવા માટે જ સર્જાયેલ છે. આમાની ઘણી બધી નોકરીઓ રીન્યુ થશે, ચાલુ જ રહેશે અથવા તો તેનું થોડું વિસ્તરણ પણ થવાની શકયતા છે. આ નોકરીઓનો માસિક પગાર પણ ૨૦ થી ૨૫ હજાર રૂપિયા જેટલો હોવાનું જાણવા મળે છે.

આવતા વર્ષ ઇ-કોમર્સ માર્કેટનું કદ ૩.૧૦ લાખ કરોડનું થશેઃ સતત વધારો

માર્કેટ રીસર્ચર ફોરેસ્ટરના મતે આવતા વર્ષે ૨૦૨૧માં ઇ-કોમર્સ માર્કેટની સાઇઝ ૨૫ ટકા જેટલી વધી જશે, જેને કારણે દેશનું ઇ-કોમર્સ માર્કેટ વધીને રૂ.૧૦ લાખ કરોડનું થવાને અંદાજ છે. ઇ.સ.૨૦૨૦ના વર્ષ દરમ્યાન માર્કેટ સાઇઝ ૭.૮ ટકા જેટલી વધીને ૨.૪૮ લાખ કરોડ રૂપિયા રહેવાની આશા છે. ઇ.સ.૨૦૧૪માં ઇ-કોમર્સ માર્કેટ-ઇન્ડસ્ટ્રીની સાઇઝ ૨.૩૦ લાખ કરોડ રૂપિયા જેટલી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે માર્ચ-૨૦૨૦ થી શરૂ થયેલ પ્રથમ બે લોકડાઉન દરમ્યાન માત્ર અનિવાર્યરૂપે ઓનલાઇન વેચાણ હોવાથી ઇ-કોમર્સ ઓપરેટર્સને થોડી તકલીફ પડી હતી, પરંતુ મે-૨૦૨૦ પછી ઘર બેઠા જ ખરીદી કરવાનો ટ્રેન્ડ શરૂ થતા ઇ-કોમર્સ કંપનીઓ - ઓપરેટર્સને રીતસરનો તડાકો પડયો છે.

(11:41 am IST)