Gujarati News

Gujarati News

News of Saturday, 5th December 2020

રંગ બદલાતા જીએસટીથી વેપારની હાલત કફોડી

પાંચ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવનાર વેપારીઓની સમસ્યામાં વધારોઃ ખાડે ગયો તે ધંધો : મોટા માટે મહિનો, નાના માટે ૩ માસ.. જંગલના કાયદા પ્રમાણે મોટો નાનાને ખાય

નવી દિલ્હી,તા. ૫: નાના વેપારીઓને દર મહિને જીએસટી રિટર્ન ભરવાની સમસ્યામાંથી છુટકારો મળે તે માટે પાંચ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવનાર વેપારીઓને ત્રણ મહિને રિટર્ન ભરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ તેના કારણે મોટા વેપારીઓની રોકડ જીએસટીમાં મોટા પાયે પડી રહેવાની શકયતાને કારણે વેપારીઓ વચ્ચે જ મોટી સમસ્યા સર્જાવાની છે. તેના કારણે જ મોટા ભાગના વેપારીઓ દ્વારા જીએસટી રિટર્નની એક સમાન પોલીસી લાવવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા નાના વેપારીઓને દર મહિને જીએસટી રિટર્ન ભરવું નહીં પડે તે માટે છુટછાટ આપવાનું નક્કી કર્યું છે પરંતુ આ છુટછાટને કારણે મોટા વેપારી અને નાના વેપારીઓ વચ્ચે વેપારને લઈને જ સમસ્યા ઊભી થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. કારણ કે નાના વેપારીને મોટા વેપારી દર મહિને રિટર્ન ભરે તેવી ફરજ પાડી રહ્યા છે. જો નાનો વેપારી દર મહિને રિટર્ન નહીં ભરે તો તેની સાથે વેપાર જ કરવામાં નહીં આવે તેવી વાત કરી રહ્યા છે. આ માટેનું કારણ એવું છે કે, નાનો દર મહિને રિટર્ન ભરે ત્યાં સુધી મોટા વેપારીની આઇટીસી જીએસટીમાં જમા રહેવાની છે.રિટર્ન ભરપાઇ થયા બાદ જ મોટા વેપારીને તેની આઇટીસી મળી શકે તેમ છે. તેના કારણે મોટી રકમ જમા રહેવાની શકયતા છે. આ જ કારણોસર બજારમાં હાલ પણ રોકડની સમસ્યા રહેલી છે, તેવામાં આ નવી ઉપાધિ આવી પડે તેમ છે. તેના કારણે જ નાના વેપારીઓ અને મોટા વેપારી વચ્ચે રિટર્ન ભરવાના લઈને નવાં ધારાધોરણ પણ નક્કી થાય તેમ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે. જીએસટી લાગુ થયા બાદ અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર હારા ૪૫૦થી વધુ સુધારા વેપારીઓના હિતમાં કરવામાં આવ્યા હોવાની વાત કરવામાં આવી રહી છે પરંતુ વેપારીઓ સાથે ચર્ચા કરીને નવા ધારાધોરણ નક્કી કરવામાં આવે તો આવી સમસ્યા જ ઊભી થાય તેમ નથી પરંતુ એસી ઓફિસમાં બેસીને કામ કરતા અધિકારીઓની ભલામણને આધારે કરવામાં આવતા ફેરફારોને કારણે વેપારીઓના વેપારને અસર થવાની સાથે સાથે બંને વચ્ચે માથાકુટની પણ સ્થિતિ ઊભી થતી હોય છે.

રિટર્ન ભરવા માટે એક સમાન પોલીસી હોવી જોઇએ

નાના વેપારીઓને રિટર્ન ભરવાની માથાકૂટમાંથી મુકિત મળે તે માટે દર મહિનાના બદલે ત્રણ મહિને રિટર્ન ભરવાની છુટ આપવામાં આવી છે. તેનો સીધો ફાયદો નાના વેપારીને થવાનો છે. પરંતુ એક સમાન પોલિસી લાવીને દર ત્રણ મહિને જ રિટર્ન ભરવાનો નિયમ લાગુ કરવામાં આવે તો તમામ વેપારીને લાભ થાય તેમ છે. જેથી આ દિશામાં કેન્દ્ર સરકારે વિચારણા કરવી જોઇએ.

- રંગનાથ શારદા (વેપારી)

વેટમાં જે રીટે રિટર્ન ભરતા હતા તેવો જ નિયમ લાવો

જીએસટી આવ્યા પહેલાં વેટમાં વેપારીઓ દર ત્રણ મહિને વેટનું રિટર્ન ભરતા હતા પરંતુ જીએસટીનો કાયદો આવ્યા બાદ રિટર્ન ભરવાના નિયમમાં ફેરફાર કરવાના કારણે મોટા વેપારીઓના નાણા આઇટીસી રૂપે જીએસટી વિભાગમાં જમા રહેવાના છે તે નાણાં નાના વેપારી દ્વારા રિટર્ન ભર્યા બાદ મળશે. જેથી વેટમાં જે રીતે વેપારીઓ રિટર્ન ભરતા હતા તે પ્રમાણેનો નિયમ લાવવો જોઇએ

-નરેન્દ્ર સાબુ (વેપારી )

(9:29 am IST)