Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

ઉન્નાવ રેપ પીડિતના મામલે અંતે કરાયેલી સીટની રચના

જીવતી સળગાવ્યા બાદ પીડિતાની હાલત ગંભીરઃ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી

લખનૌ, તા. ૫: ઉન્નાવમાં ગુરુવારના દિવસે રેપ પીડિતાને સળગાવી દેવાના મામલામાં હવે એસઆઈટીની રચના કરવામાં આવી ચુકી છે. લખનૌના મંડળ અધિકારી મુકેશ મેસરામે માહિતી આપતા કહ્યું હતું કે, ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશન હેઠળ એક મહિલાને સળગાવી દેવાના મામલાની તપાસ એસઆઈટી કરશે. તેમણે કહ્યું હતું કે, એસઆઈટીના નેતૃત્વમાં એસએસપી સ્તરના અધિકારી રહેશે. ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક વિસ્તારમાં બળાત્કાર પીડિતાને આજે વહેલી પરોઢે પાંચ લોકોએ જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનામાં સામેલ રહેલા તમામ પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આઈજી કાનૂન અને વ્યવસ્થા પ્રવિણકુમારે કહ્યું હતું કે, પીડિતાએ જે નિવેદન આપ્યું છે તેના આધાર પર તમામ પાંચેયની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની પ્રાથમિકતા છે કે, પુરાવાના આધાર પર આરોપીઓને વહેલીતકે કઠોર સજા કરવામાં આવે. આગને હવાલે કરી દેવાયેલી બળાત્કાર પીડિતા ૯૦ ટકા સુધી દાઝી ગઇ છે અને તેની હાલત ખુબ ગંભીર જણાવવામાં આવી રહી છે. મેસરામે કહ્યું હતું કે, ૯૦ ટકા દાઝી ગયેલી ૨૩ વર્ષની યુવતીની હાલત ખુબ ગંભીર છે. તેને પહેલા લખનૌની સદર હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. મોડેથી એરલિફ્ટ કરીને દિલ્હીના સફદરગંજ હોસ્પિટલ લઇ જવામાં આવી છે. બીજી બાજુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતાની સારવાર સરકારી ખર્ચ પર કરાવવાની જાહેરાત કરી છે. ૨૩ વર્ષીય યુવતીએ શિવમ અને શુભમ નામના યુવકો પર બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો. યુવતી કેસના ભાગરુપે રાયબરેલી રવાના થવા માટે સવારે ૪ વાગે બેસવારા રેલવે સ્ટેશન જઇ રહી ત્યારે જ બિહાર-મોરાવા માર્ગ ઉપર શિવમ અને શુભમે સાથીઓની સાથે મળીને તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

(10:02 pm IST)