Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

મહારાષ્ટ્ર : ખાતાની વહેંચણી વિવાદો વચ્ચે હજુય થઇ નથી

તમામ પક્ષો દ્વારા મહત્વના ખાતાની માંગણી : શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે મળીને વિવાદને ઉકેલે તેવી માંગ

નવીદિલ્હી, તા. ૫ : મહારાષ્ટ્રમાં છેલ્લા એક મહિના સુધી ચાલેલી રાજકીય ઉથલપાથલ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા હતા પરંતુ કેબિનેટના મંત્રી હજુ સુધી પોર્ટફોલિયો વગરના રહેલા છે. શિવસેનાની સાથે ગઠબંધનના સાથી કોંગ્રેસ અને એનસીપી વચ્ચે જોરદાર ખેંચતાણ હજુ પણ ચાલી રહી છે. ખાતાઓને લઇને હજુ સુધી કોઇ નિર્ણય થઇ શક્યો નથી. વિભાગોની વહેંચણીને લઇને ત્રણેય પક્ષો પોતપોતાના વલણ પર મક્કમ દેખાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે ૨૮મી નવેમ્બરના દિવસે એનસીપીના ધારાસભ્ય જયંત પાટીલ, છગન ભુજબળ, કોંગ્રેસના ધારાસભ્ય બાલાસાહેબ ધોરાટ, બિપીન રાવત, શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે, સુભાષ દેસાઈએ કેબિનેટ સભ્યો તરીકે શપથ લીધા હતા. એક મંત્રીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, તમામ મંત્રીઓમાં વહેલીતકે ખાતાઓની ફાળવણી કરવામાં આવે તે જરૂરી છે. હવે એવું લાગી રહ્યું છે કે, ચોક્કસ વિભાગોની માંગને લઇને ખાતાઓની વહેંચણીમાં વિલંબ જારી છે. આ વિલંબના પરિણામ સ્વરુપે વહીવટીતંત્ર ઉપર માઠી અસર થઇ રહી છે.

          કારણ કે વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મહિનાઓનો ગાળો થઇ ચુક્યો છે. મંત્રીએ કહ્યું છે કે, શિવસેના તરફથી કોઇપણ વિભાગની માંગ થઇ નથી પરંતુ કોંગ્રેસ અને એનસીપી દ્વારા નાણાં, મહેસુલ, ગૃહ, હાઉસિંગ વિભાગની માંગ કરવામાં આવી રહી છે. આ સારી સ્થિતિ દેખાઈ રહી નથી. શરદ પવારના નેતૃત્વમાં કોઇ રીતે ત્રણેય પક્ષો એક સાથે આવ્યા છે પરંતુ ખુબ જટિલ સમસ્યા સર્જાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંને આ વિવાદને ઉકેલવા માટે એક સાથે આવે તે જરૂરી છે. ૧૬મી ડિસેમ્બરથી મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર શરૂ થઇ રહ્યું છે.

(7:59 pm IST)