Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વધુ ભણેલા પટ્ટાવાળાને PNBએ કાઢી મૂકયો

લાયકાત કરતા વધુ ભણવાની વાત છુપાવતા પ્યુનની નોકરી ગુમાવીઃ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

નવી દિલ્હી,તા. ૫: દેશની સુપ્રીમ કોર્ટે મંગળવારે પંજાબ નેશનલ બેન્ક સામે એક મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એ દલીલનો અસ્વીકાર કર્યો કે, વધુ પડતી યોગ્યતા અયોગ્યતાનો આધાર ન હોઈ શકે. આ સાથે જ કોર્ટે પંજાબ નેશનલ બેન્કના એક પટ્ટાવાળાની સેવા ખતમ કરવા માટેનો આદેશ યથાવત રાખ્યો છે. આવું એટલા માટે કારણ કે, પટ્ટાવાળો પોતે સ્નાતક છે એ સત્ય છુપાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે ઓરિસ્સા હાઈકોર્ટના બે આદેશને ફગાવી દીધા હતા. જેમાં કોર્ટે બેન્કને કહ્યું હતું કે, પટ્ટાવાળાને એની સર્વિસ કરવા દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મહત્ત્વની જાણકારી છુપાવવા અથવા ખોટી જાણકારી દેનારા સર્વિસ યથાવત રાખવા માટે કોઈ દાવો કરી શકે નહીં. ચીફ જસ્ટિસ અશોક ભૂષણ, આર.સુભાષ રેડ્ડી અને એમ.આર શાહે બેન્કે કરેલી એક અરજી પર પોતાનો આદેશ આપ્યો હતો. આ માટેની જાહેરાતમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, કોઈ ઉમેદવાર ગ્રેજયુએટ ન હોવો જોઈએ. જયારે આ પટ્ટાવાળો સ્નાતક હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે, અમિત કુમાર દાસે યોગ્યતાને પડકારવાને બદલે પોતાની યોગ્યતા છુપાવી હતી. આ ઉપરાંત પોતે ગ્રેજયુએટ હોવા છતાં પણ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે, અરજદાર અમિત દાસે જાણ જોઈને આવું પગલું ભર્યું છે. ત્યાર બાદ તેને પોતાની ડ્યૂટી પર યથાવત રાખવા માટે કોર્ટે આદેશ કર્યા છે. જે એક ભૂલ સમાન છે. સુપ્રીમ કોર્ટે પોતાના પહેલા ચૂકાદાનો પણ આ કેસમાં ઉલ્લેખ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા ચૂકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મહત્ત્વપૂર્ણ જાણકારી છુપાવવા અને ખોટા નિવેદન કરવા એ કર્મચારીના એક ચારિત્ર પણ સીધી અસર કરે છે. બેન્ચે જણાવ્યું હતું કે, બેન્કે પટ્ટાવાળાની નોકરી માટે એક જાહેરાત છાપામાં આપી હતી. જે અનુસાર કેટલીક અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તા.૧ જાન્યુઆરી ૨૦૧૬ના તારીખ અનુસાર અરજીકર્તા ૧૨મી પાસ અથવા એને સમકક્ષ હોવો જોઈએ. પણ તે ગ્રેજયુએટ ન હોવો જોઈએ. આટલી સ્પષ્ટતા હોવા છતા એક ગ્રેજયુએટ અરજદારે અરજી કરી દીધી. ડ્યૂટી પણ જોઈન્ટ કરી. પણ દર્શાવેલી પોસ્ટ માટે એ વ્યકિત યોગ્ય ન હતો. અમિત દાસે આ ફોર્મ ભર્યું અને પ્રોસેસ પણ થયું. પણ એમાં એ ચોખવટ કરી ન હતી કે, તે વર્ષ ૨૦૧૪માં ગ્રેજયુએટ થયો છે. તેણે માત્ર ધો.૧૨ પાસના આધારે અરજી કરીને આ નોકરી મેળવી હતી. એટલે એને યથાવત રાખી શકાય નહીં.

(9:43 am IST)