Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

દિલ્હી પોલીસની જુદી જુદી માંગણી સ્વીકારવા ખાતરી

માંગ સ્વીકારાઈ છતાં પોલીસ કર્મીઓ લડાયક : વકીલો સાથે સંઘર્ષના મામલે પ્રથમ વખત પોલીસ કર્મીઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન : વકીલો સામે પગલાની માંગણી

મુંબઈ, તા. ૫ : વકીલો અને પોલીસ વચ્ચે ખેંચતાણનો મામલો યથાવતરીતે આગળ વધ્યો છે. આના સંદર્ભમાં કેટલીક માંગોને લઇને જિદ્દી વલણ અપનાવી રહેલા પોલીસ કર્મીઓને સિનિયર અધિકારીઓએ માંગ સ્વીકાર કરવાની ખાતરી આપી છે. પોલીસ અને વકીલ વચ્ચેના વિવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની પણ એન્ટ્રી થઇ છે. હાઈકોર્ટ પાસેથી તેના આદેશ પર સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. દિલ્હીમાં પોલીસ કર્મીઓ અને વકીલો વચ્ચે ખેંચતાણનો મામલો દિનપ્રતિદિન વધુ ગંભીર બની રહ્યો છે. દિલ્હીમાં પ્રથમ વખત સેંકડો પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના સભ્યોએ આજે વિરોધ પ્રદર્શન કરીને દેખાવો કર્યા હતા. પોતાના હેડક્વાર્ટરની બહાર જોરદાર માંગ કરવામાં આવી હતી. દિલ્હીમાં પ્રથમ વખત સેંકડો પોલીસ કર્મીઓ પણ રજૂઆત માટે આગળ આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ દિલ્હી પોલીસ આવે છે. ગૃહમંત્રાલય દ્વારા હાઈકોર્ટમાં અરજી કરીને રવિવારના દિવસે તેના આદેશ પર સ્પષ્ટીકરણની માંગ કરી છે.

               ગૃહમંત્રાલય દ્વારા આદેશમાં સુધારા કરવાની માંગ કરવામાં આવી છે અને કહ્યું છે કે, બીજી નવેમ્બર બાદની ઘટનાઓ ઉપર આ આદેશ લાગૂ થવો જોઇએ નહીં. આને લઇને હાઈકોર્ટે બાર એસોસિએશનને નોટિસ ફટકારી છે. મામલામાં હવે આવતીકાલે ત્રણ વાગે સુનાવણી કરવામાં આવનાર છે. વકીલોની સામે દંડાત્મક કાર્યવાહી ન કરવાના આદેશ પર કેન્દ્ર સરકાર તરફથી સ્પષ્ટીકરણની માંગ કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસ કર્મીઓને ખાતરી આપવામાં આવી હોવા છતાં તેઓ સંતુષ્ટ દેખાઈ રહ્યા નથી. દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશનર દેવેશચંદ્ર શ્રીવાસ્તવે પોલીસ કર્મીઓને ન્યાયનો વિશ્વાસ આપીને તેમને કામ ઉપર પરત ફરવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, મારામારીના આરોપી વકીલોની સામે યોગ્ય કાર્યવાહી કરાશે. ઘાયલ  થયેલા પોલસ કર્મીઓની પુરતી સારવાર પણ કરવામાં આવશે. જો કે, દેખાવકાર પોલીસ કર્મી સંતુષ્ટ દેખાઈ રહ્યા નથી. તમામ લોકો જાણે છે કે, દેખાવ કરી રહેલા પોલીસ કર્મીઓને પોલીસ કમિશનર અમુલ્ય પટનાયકે પોતે સંબોધન કર્યું હતું અને કામ પર પરત ફરવા કહ્યું હતું. સીપીની અપીલ બાદ પણ પ્રદર્શનકારીઓ મક્કમ રહ્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ નારાજ રહેલા પોલીસ કર્મીઓને મનાવવાના પ્રયાસ કર્યા હતા. જોઇન્ટ સીપી દેવેશચંદ્ર શ્રીવાસ્તવે પોલીસ કર્મીઓને કહ્યું છે કે, તીસ હજારી કોર્ટમાં બીજી નવવેમ્બરની ઘટનામાં ઘાયલ થયા છે તેમની સર્વશ્રેષ્ઠ સારવાર કરવામાં આવશે. પોલીસ કર્મીઓ સાથે મારામારીના મામલામાં એફઆઈઆર પણ દાખલ કરાઈ છે.

પોલીસની માંગ શું છે...

*   સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મીઓને ફરી લેવાની માંગ

*   ઘાયલ પોલીસ કર્મીઓને એવા જ પ્રકારથી વળતર આપવામાં આવે જેવા વકીલોને આપવામાં આવે છે

*   આરોપી વકીલો સામે કાર્યવાહી કરવાની માંગ

*   દિલ્હી હાઈકોર્ટના આદેશની સામે અપીલની માંગ

*   કોન્સ્ટેબલ સાથે મારામારી કરનાર વકીલોની ઓળખ કરવાની માંગણી કરાઈ

*   તીસહજારી કોર્ટમાં અંધાધૂંધી ફેલાવનાર વકીલો સામે કઠોર કાર્યવાહીની માંગ

*   પોલીસ વેલ્ફેર યુનિયન બનાવવાની માંગણી કરાઈ જેથી ભવિષ્યમાં કોઇ સમસ્યામાં હિતોને ધ્યાનમાં રાખી શકાય

*   આંદોલન કરનાર પોલીસ કર્મીઓ સામે કોઇ કાર્યવાહી ન કરવા માટેની માંગ

(8:10 pm IST)