Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

બેંક છેતરપિંડીના ૩૫ કેસો નોંધાયા બાદ દરોડાનો દોર

દેશભરમાં અમદાવાદ સહિત ૧૬૯ સ્થળ પર દરોડા : ગુજરાતના ભાવનગર, સુરત અને અન્ય સ્થળ ઉપર પણ દરોડા : ૭૦૦૦ કરોડથી પણ વધુના ફંડના મામલે તપાસ

નવીદિલ્હી, તા. ૫ : સીબીઆઈએ ૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ફંડને આવરી લેતા એજન્સી દ્વારા નોંધવામાં આવેલા ૩૫ બેંક છેતરપિંડી કેસોના સંદર્ભમાં આજે દેશભરમાં વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. સીબીઆઈએ દેશના જુદા જુદા વિસ્તારોમાં ૧૬૯ જગ્યા પર એક સાથે દરોડા પાડ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ આ તમામ કેસો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, આંધ્ર બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ, ઇન્ડિયન ઓવરસીસ બેંક, અલ્હાબાદ બેંક, કેનેરા બેંક, દેના બેંક, પંજાબ અને સિંદ બેંક, સેન્ટ્રલ બેંક ઓફઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર અને બેંક ઓફ ઇન્ડિયા સાથે સંબંધિત છે. અધિકારીઓએ દરોડાના સંદર્ભમાં માહિતી આપતા કહ્યું છે કે, જાહેર ક્ષેત્રની બેંકોમાં ૩૫ બેંક છેતરપિંડીના કેસો નોંધવામાં આવ્યા બાદ આજે સવારથી જ દેશના જુદા જુદા શહેરોમાં વ્યાપક દરોડાનો દોર શરૂ થયો હતો. દરોડાની આ કાર્યવાહી એક સાથે શરૂ થઇ હતી જેથી સંબંધિત જગ્યા પર ભારે ખળભળાટ મચી ગયો હતો.

               દિલ્હી, ગુડગાંવ, ચંદીગઢ, લુધિયાણા, દેહરાદૂન, નોઇડા, બારામતી અને મુંબઈ, થાણે, સિલવાસા, કલ્યાણ, અમૃતસર, ફરિદાબાદ, બેંગ્લોર, તિરુપુર, ચેન્નાઈ, મદુરાઈ, કોચીન, ભાવનગર, સુરત, અમદાવાદ, કાનપુર, ગાઝિયાબાદ, ભોપાલ, વારાણસી, ભટિંડા, ગુરદાસપુર, મોરેના, કોલકાતા, પટણા, હૈદરાબાદ સહિત ૧૬૯ જેટલા સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. ખુબ જ ગુપ્તરીતે આ દરોડાની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. સર્ચ ઓપરેશનના સંદર્ભમાં વધુ માહિતી આપવાનો તપાસ સંસ્થાએ ઇન્કાર કરી દીધો છે. જો કે, તપાસકારો માની રહ્યા છે કે, સમગ્ર મામલામાં દસ્તાવેજોમાં તપાસ ચાલી રહી છે.

(8:04 pm IST)