Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ઇન્ફોસીસ ૧૦ ટકા કર્મીને છુટા કરવા માટે ઇચ્છુક છે

સિનિયરથી લઇ મિડલેવલ સુધી છટણી કરાશે : મહાકાય ઇન્ફોસીસમાં હાલ ૮૬૫૫૮ કર્મચારી છે તેમજ એસોસિએટ્સ, મિડલ બેન્ડમાં લાખો કર્મચારીઓ સક્રિય

બેંગ્લોર, તા. ૫ : આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસીસ પણ કોગ્નિજેન્ટના માર્ગ ઉપર આગળ વધી રહી છે. કંપની મોટાપાયે કર્મચારીઓને છુટા કરવાની દિશામાં આગળ વધી રહી છે. આના માટે કેટલાક કારણો આપવામાં આવ્યા છે. કંપનીએ કર્મચારીઓને છુટા કરવાની બાબત અંગે વાત કરતા કહ્યું છે કે, સિનિયરથી લઇને મિડલેવલ સુધી કર્મચારીઓને છુટા કરવામાં આવનાર છે. કંપની પોતાના વર્કફોર્સના ૧૦ ટકા હિસ્સાને બહારનો રસ્તો બતાવવા માટે તૈયાર દેખાઈ રહી છે. આ છટણી હેઠળ જોબ લેવલ છથી આશરે ૨૨૦૦ કર્મચારીઓને બહાર કરવામાં આવશે. જેએલ છ, જેએલ ૭ અને જેએલ ૮ બેન્ડમાં કંપનીના કુલ ૩૦૯૨ કર્મચારી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, કંપની જેએલ ૩ અને તેનાથી નીચેના સ્તર પર પોતાના વર્કફોર્સના ૨-૫ ટકા હિસ્સાને ઘટાડી દેવા માટે ઇચ્છુક છે. એટલે કે આ સ્તર પર કુલ ૪૦૦૦થી ૧૦૦૦૦ કર્મચારીઓને બહાર કરવામાં આવનાર છે.

                   ઇન્ફોસીસમાં હાલમાં ૮૬૫૫૮ કર્મચારી છે અને એસોસિએટ્સ અને મિડલબેન્ડમાં કુલ ૧.૧ લાખ કર્મચારી કામ કરી રહ્યા છે. કંપનીમાં ટોપ સ્તર પર ૯૩૧ અધિકારીઓ કામ કરી રહ્યા છે. આસીસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ જેવા ટોપ અધિકારીઓને પણ બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. આ લેવલ પર આશરે ૫૦ કર્મચારીઓની વિદાય થઇ શકે છે. આ છટણી ફોક્સ્ડ અને ટાર્ગેટેડરીતે કરવામાં આવી રહી છે. પહેલા કંપનીએ પરફોર્મન્સના આધાર પર છટણીની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ આ વખતે મામલો અલગ દેખાઈ રહ્યો છે. વધુ સંખ્યામાં લોકોને બહારનો રસ્તો બતાવવામાં આવનાર છે. અમેરિકાની રિસર્ચ કંપનીના કહેવા મુજબ વર્તમાન સમયમાં ઇન્ડસ્ટ્રીમાં જટિલ સ્કીલ સ્ટાફની જરૂર દેખાઈ રહી છે.

(8:03 pm IST)