Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સોનિયા ગાંધી શિવસેનાને ટેકો આપવા રાજી નથી

પવારના સૂચનને નમ્રતાપૂર્વક નકારી કાઢયું

નવી દિલ્હી/મુંબઈ, તા.૫: મહારાષ્ટ્રમાં નવી વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નવી સરકારની રચનાનો મામલો ગૂંચવાયો છે. આજે ૧૩મો દિવસ છે, પણ હજી સરકાર રચાઈ નથી. સાથે મળીને ૧૬૧ બેઠક જીતનાર ભાગીદાર પક્ષો – ભાજપ અને શિવસેના વચ્ચે મુખ્ય પ્રધાન પદના મામલે ખેંચતાણ ચાલે છે.

આ સંદર્ભમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ગઈ કાલે કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીને મળ્યા હતા. એને પગલે એવી અટકળો ઊભી થઈ છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સહિયારી સરકાર બનશે, પણ સોનિયાએ શિવસેનાને ટેકો આપવાનો ઈનકાર કરી દીધો છે એમ સૂત્રોને ટાંકીને એનડીટીવીએ અહેવાલ આપ્યો છે.ગઈ કાલે મોડી સાંજે કોંગ્રેસમાંના સૂત્રોએ કહ્યું હતું કે શિવસેનાને ટેકો આપવા માટે સોનિયા ગાંધી જરાય તૈયાર નથી. એમણે પવારના સૂચનને નમ્રતાપૂર્વક નકારી કાઢ્યું છે.

સોનિયા ગાંધીને મળી આવ્યા બાદ પવાર, એમના ભત્રિજા અજીત પવાર અને પ્રફુલ પટેલે પત્રકારોને સંબોધિત કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસ-એનસીપી જોડાણ વિપક્ષમાં જ બેસશે. સરકાર બનાવવા માટે અમારી પાસે પૂરતું સંખ્યાબળ નથી, જેની પાસે સંખ્યાબળ હોય એણે જ સરકાર બનાવવી જોઈએ.

કહેવાય છે કે પવારની ઈચ્છા શિવસેનાને ટેકો આપીને સંયુકત સરકાર બનાવવાની છે. કારણ કે એમ કરીને ભાજપને સત્ત્।ા પર આવતો રોકી શકાશે અને પાંચ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીના જોડાણના હાથમાંથી ગયેલી સત્તા પાછી મેળવી શકાશે.

કહેવાય છે કે સરકાર બનાવવા માટે શિવસેનાએ એનસીપીને સંકેતો મોકલ્યા છે. શિવસેનાનાં નેતા સંજય રાઉત મુંબઈમાં શરદ પવારને મળ્યા પણ હતા, પરંતુ બાદમાં પવારે કહ્યું હતું કે એ તો દિવાળી બાદની ઔપચારિક મુલાકાત હતી. પવારના ભત્રિજા અને એનસીપીના સિનિયર નેતા અજીત પવારે કહ્યું હતું કે રાઉત પોતાને પણ મળ્યા હતા.

(11:34 am IST)