Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશેઃ સ્ટેટ બેન્કનો ધડાકો

જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં જીડીપીનો ગ્રોથ ૫ ટકાથી નીચે આવી શકે છે એટલુ જ નહિ સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન જીડીપી ગ્રોથ ઘટીને ૬ ટકાની નીચે આવી શકે છેઃ વેચાણમાં ઘટાડો, નબળુ નિવેશ અને અનેક સેકટરના ખરાબ દેખાવને કારણે જીડીપી ગ્રોથની સફતાર વધુ ધીમી પડીઃ રીઝર્વ બેન્ક, નોમુરા, મુડીઝ બાદ હવે સ્ટેટ બેન્કનો રીપોર્ટ ચોંકાવે છે

નવી દિલ્હી, તા. ૫ :. જુલાઈથી સપ્ટેમ્બરના કવાર્ટરમાં જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશે. સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન જીડીપી વૃદ્ધિદર ઘટીને ૬ ટકાની નીચે આવી શકે છે તેવુ સ્ટેટ બેન્કના એક રીપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.

આ પહેલા રીઝર્વ બેન્કે પણ કહ્યુ હતુ કે આ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૧ ટકા રહેશે. અત્રે નોંધનીય છે કે એપ્રિલથી જૂનના કવાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિદર ૫.૮ ટકા હતો. વેચાણમાં ઘટાડો, નબળુ રોકાણ અને અનેક સેકટરના ખરાબ દેખાવને કારણે જીડીપી ગ્રોથની રફતાર વધુ સુસ્ત બની છે. આ પહેલા નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ના જાન્યુઆરીથી માર્ચ કવાર્ટરમાં જીડીપી ગ્રોથ ૫ ટકાની નીચે એટલે ૪.૩ ટકા રહ્યો હતો.

એસબીઆઈ ઈકોરેપ રીપોર્ટમાં જણાવાયુ છે કે નાણાકીય વર્ષ ૨૦ના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરમાં ગ્રોથ ઝડપ પકડે તેવી અમને ઓછી આશા છે. સપ્ટેમ્બરમાં કુલ ૨૬ માપદંડમાંથી માત્ર ૫ માપદંડમાં વૃદ્ધિ જોવા મળી છે. આનાથી એવો સંકેત મળે છે કે હજુ પણ ઈકોનોમીમા ડિમાન્ડની અછત જોવા મળી રહી છે અને તેને સુધરવામાં સમય લાગી શકે છે. મુખ્ય માપદંડોને જોતા હવે એવુ લાગે છે કે બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ૫ ટકાથી ઓછો રહેશે. જો કે રીપોર્ટમાં જણાવાયુ છે કે આ વર્ષના બીજા ૬ મહિનામાં જીડીપી ગ્રોથ ઝડપ પકડી શકે છે. સરકારી ખર્ચ વધવાથી અને કંપનીઓનું વેચાણ વધવાને કારણે ત્રીજા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ થોડો સુધરી શકે છે.

આ પહેલા નોમુરા, મુડીઝ, આઈએમએફએ પણ જીડીપી ગ્રોથ ઘટશે તેવુ જણાવ્યુ હતુ.

(11:02 am IST)