Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

૩૦મીથી બંધ થશે એલઆઈસીના અનેક ડઝન પ્લાન

જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય, જીવન લાભ સહિતના બેસ્ટ સેલર પ્લાનનો પણ સમાવેશઃ બે ડઝનથી વધુ વ્યકિતગત ઈન્સ્યોરન્સ પ્રોડકટ, ૮ ગ્રુપ ઈન્સ્યોરન્સ પ્લાન અને ૭ થી ૮ રાઈડર્સને બંધ કરાશેઃ એલઆઈસી આ બધા પ્લાનને આવતા કેટલાક મહિનાઓમાં રીવાઈઝડ કે રીલોન્ચ કરશેઃ નવી પ્રોડકટમાં ઓછા બોનસ રેટ અને વધુ પ્રિમીયમ રેટ જોવા મળશેઃ ૩૦મીથી કુલ ૭૫ થી ૮૦ પ્રોડકટ બંધ થશે જે રેગ્યુલેશન અનુસાર નથી

નવી દિલ્હી, તા. ૫ :. દેશની સૌથી મોટી વિમા કંપની ભારતીય જીવન વિમા નિગમ એટલે કે એલઆઈસીએ બે ડઝનથી વધુ વ્યકિતગત ઈન્સ્યોરન્સ પ્રોડકટ, ૮ ગ્રુપ ઈન્સ્યોરન્સ પ્રોડકટ અને ૭ થી ૮ રાઈડર્સને ૩૦ નવેમ્બરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. રીપોર્ટ અનુસાર કંપની જે પ્રોડકટને બંધ કરી રહી છે તેમાથી કેટલાક તેના બેસ્ટ સેલર પ્લાન છે. જેમ કે જીવન આનંદ, જીવન ઉમંગ, જીવન લક્ષ્ય અને જીવન લાભનો સમાવેશ થાય છે.

આ બધા પ્લાનને એલઆઈસી આવતા કેટલાક મહિનાઓમાં રીવાઈઝડ કે રીલોન્ચ કરી શકે છે. એલઆઈસી આ બધા પ્લાનને ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરના રીવાઈઝડ કસ્ટમર આધારીત ગાઈડલાઈન્સના હિસાબથી રીલોન્ચ કરી શકે છે. જો કે નવી પ્રોડકટમાં ઓછો બોનસ રેટ અને વધુ પ્રિમીયમ રેટ જોવા મળી શકે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૦ નવેમ્બર બાદ વિમા ઈન્ડસ્ટ્રીઝની ૭૫ થી ૮૦ પ્રોડકટ બંધ થઈ જવાની છે. આ બધા પ્લાન ૮ જુલાઈ ૨૦૧૯ના રોજ જારી ઈન્સ્યોરન્સ પ્રોડકટ રેગ્યુલેશન અનુસાર નથી. એલઆઈસી ઈન્સ્યોન્સ એજન્ટસ ૩૦ નવેમ્બર પહેલા વધુને વધુ ગ્રાહકોને વર્તમાન પ્લાન ખરીદવા પ્રેરીત કરી રહ્યા છે.

રીપોર્ટ અનુસાર ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે અમને બજારમાં કોઈ વિઘટન નજરે નથી પડતુ. ઈન્સ્યોરન્સ પોતાનુ કામ કરે છે. લગભગ ૭૫ થી ૮૦ પ્રોડકટ ૩૦ નવેમ્બર બાદ પરત લઈ લેવામા આવશે કારણ કે તે નવા નિયમ અનુસાર નથી. જો કે મોટી સંખ્યામાં આવી પ્રોડકટ મોજુદ છે, જે નિયમ મુજબ છે અને ૧ લી ડીસેમ્બર બાદ પણ તે વેચાતા રહેશે. વિમા કંપનીઓએ પોતાના રીસ્કના મેનેજમેન્ટને ઘટાડવા માટે આ પ્રોડકટને ફરીથી નવી કિંમત સાથે લોન્ચ કરવા પડશે. કેટલાક મામલામાં પ્રિમીયમ રેટ પણ ઘટશે.

અત્રે નોંધનીય છે કે જે પ્રોડકટને પરત લેવામા આવે છે તેનો અર્થ એ છે કે તે વર્તમાન સ્થિતિમાં બજારમાં નહિ રહી શકે. કંપનીઓ તેમા ફેરફાર કરી તેને ફરી બજારમાં લોન્ચ કરશે. એલઆઈસીના ચેરમેન એમ.આર. કુમારે જણાવ્યુ છે કે અમે કેટલીક પ્રોડકટ બંધ કરી રહ્યા છીએ. તેમા જરૂર ફેરફારો કરી તેને આવતા દિવસોમાં ફરી લોન્ચ કરશું.

(11:01 am IST)