Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મૌજ ગુજરાત ઇવેન્ટનાં ધૂરંધર કલાકારોને જાણો...

શ્રી આદિત્ય ગઢવી

લોકગાયક (સુફી-સુગમ)

વિખ્યાત લોક કલાકાર અને સંગીત નાટ્ય અકાદમી, ગુજરાતના પૂર્વ અધ્યક્ષ યોગેશ ગઢવીના સુપુત્ર આદિત્ય ગઢવીએ સંગીતની તાલીમ વિખ્યાત સંગીતકાર એ.આર. રહેમાનની એકેડેમીમાંથી મેળવી છે. લોક ગાયિકા અને ચારણી સાહિત્યમાં દાયકાઓથી પોતાનું પ્રદાન આપી રહેલા પરિવારમાં જન્મેલ આદિત્યએ લોક ગાયકી ઉપરાંત સુફી અને ફયુઝનને એક જુદા જ અંદાજમાં પ્રસ્તુત કરી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

૨૦૧૪માં ઓસ્કાર નોમીનેશનમાં બે ગીતો આદિત્યએ ગાયેલા અને શોર્ટ લીસ્ટ થયેલા. તેમનું 'હંસલા' ગીત વિખ્યાત GIMA એવોર્ડ માટે ૨૦૧૫માં નોમીનેટ થયેલું. ગુજરાતના સૌથી વધુ TRP ધરાવતા શો 'લોક ગાયક ગુજરાત'ના વિજેતા રહી ચૂકેલ આદિત્ય ગઢવી નવી પેઢીમાં લોક સંગીતનું એક જાજરમાન નામ છે, જે 'મૌજે ગુજરાત'માં લોક સંગીતના રંગો ઉમેરશે.

સુશ્રી હિમાલી વ્યાસ નાયક

ગાયિકા (સુગમ/અર્બન/લોક સંગીત)

ખુબ જ યુવા વયે ગુજરાતી સંગીતમાં વિવિધ રંગોને સહજતાથી રજુ કરી શકવામાં મહારથ પ્રાપ્ત કરનાર હિમાલી વ્યાસ નાયક, હિન્દુસ્તાની કલાસિકલ અને વેસ્ટર્ન કલાસિકલ બન્નેમાં તાલીમ પ્રાપ્ત અજોડ કહી શકાય તેવા યુવા ગાયિકા છે.

૧૩ જેટલી ફિલ્મ-સિરીયલોમાં પ્લેબેક આપનાર ગાયિકા ફોક-ફયુઝન-કલાસિકલ-અર્બન-સુગમ જેવા વિવિધ ગુજરાતી રંગભર્યા સફળ કાર્યક્રમોમાં પોતાના અવાજનો જાદુ ભારત ઉપરાંત અમેરિકા, ચીન, UK, મિડલ ઇસ્ટના રાષ્ટ્રોમાં અનેકવાર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ચુકયા છે. શ્રેષ્ઠ કળા સાધક એવોર્ડ કવિ શ્રી રાવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ, સંગીત રત્ન એવોર્ડ, ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા 'Daughter of Gujarat'થી સન્માનિત ગાયિકા 'મૌજે ગુજરાત'માં પ્રખ્યાત ગુજરાતી સુગમ, લોક અને અર્બન ગીતોને પ્રસ્તુત કરી કાર્યક્રમને અલગ જ ઊંચાઇ પર લઇ જશે.

શ્રી પ્રહર વોરા

ગાયક (સુગમ/અર્બન)

માત્ર ૩ વર્ષની નાની વયે ગુજરાતી ફિલ્મમાં પ્લેબેક ગાયિકીથી સંગીત સફર શરૂ કરનાર પ્રહર વોરા ગુજરાતી સંગીતનું વર્તમાન પેઢીનું સૌથી વધુ ખ્યાતી પ્રાપ્ત યુવા નામ છે. સંગીત વિશારદ માતા અને સંગીત દિગ્દર્શક પિતાના વારસાને આગળ વધારતા આ ગાયકને ખુબ જ યુવા વયે ભારતભર અને વિદેશમાં મળીને ૬૦૦થી વધુ કાર્યક્રમમાં પોતાના કંઠનો જાદુ પાથરી ચુકયા છે.

વિખ્યાત ગાયકો અનુરાધા પૌંડવાલ, અલકા યાજ્ઞિક, ઉષા મંગેશકર વિગેરે સાથે મંચ પર સંગત કરનાર પ્રહર વોરા એક ટેલેન્ટેડ સંગીત નિર્દેશક પણ છે. તાજેતરમાં જ સોમનાથ મંદિરના વિખ્યાત 'Sound and Light' શો કે જેમાં લીજેન્ડ અમિતાભ બચ્ચનનો અવાજ છે એ શોમાં સંગીત નિર્દેશન અને પાર્શ્વ સ્વર પ્રહર વોરાના છે. નેશનલ લેવલ પર સુવર્ણ ચંદ્રક, વિખ્યાત રાવજી પટેલ યુવા એવોર્ડથી સન્માનીત, સુગમ-ગરબા ઉપરાંત અર્બન ગુજરાતી સંગીતના આ મહારથી 'મૌજે ગુજરાત'નો અભિન્ન હિસ્સો બનીને શ્રોતાઓને ડોલાવશે.

સુશ્રી ગાથા પોટા

ગાયિકા (અર્બન/ફયુઝન/સુગમ)

ગાથા પોટા સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહેલ લોકપ્રિય ગુજરાતી બેન્ડ 'રાજકોટ બ્લુઝ'ની લીડ સિંગર તેમજ શ્રીમતી પીયુબેન સરખેલની શિષ્યા છે. India’s Big Golden Voice Season-6માં સોનુ નિગમ દ્વારા ટોચના ૧૦ ગાયકોમાં પસંદગી પામેલ અને યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલમાં વિજેતાની હેટ્રીક નોંધાવનાર ગાથા પોટા 'મૌજે ગુજરાત'માં યુવા ગુજરાતનું અર્બન અને ફયુઝન ગુજરાતી સંગીતનું પ્રતિનિધિત્વ કરશે.

શ્રી વિરલ રાચ્છ

દિગ્દર્શન-સંચાલન

વિરલ રાચ્છ ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭-૦૮માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત, દિગ્દર્શક-અભિનેતા-સંકલનકાર, અનેક એવોર્ડથી સન્માનીત કલાકાર છે. પ્રતિષ્ઠિત ૧૧ ચિત્રલેખા એવોર્ડ, ૩ ટ્રાન્સમીડિયા એવોર્ડ, USAમાં ગ્લોરીયસ ગુજરાતી એવોર્ડ અને અનેક વખત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શ્રેષ્ઠ દિગ્દર્શન-અભિનેતાના એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત એકમાત્ર દિગ્દર્શક-અભિનેતા.

વિખ્યાત ચિત્રલેખા મેગેઝીન દ્વારા ૫૦ ગૌરવવંતા ગુજરાતીમાં સ્થાન મેળવનાર, ગુજરાતી ભાષા, સાહિત્ય, સંગીતના વિવિધરંગી શોના ડીઝાઇનીંગ અને સંચાલનમાં નોખું અને મોખરાનું સ્થાન ધરાવે છે. 'ગુજરાત્રી'ના અગાઉનાં તમામ શોની જ્વલંત સફળતા બાદ 'મૌજે ગુજરાત' પણ તેમના જ દિગ્દર્શન અને સંચાલનમાં રજુ થશે.

ડો. રઇશ મણીયાર

કવિતા-હાસ્ય રસ

સુરત સ્થિત જાણીતા કવિ, નવલકથાકાર, નાટ્યલેખક, હાસ્યલેખક અને કોલમિસ્ટ, ગુજરાતીઓ માટે કોઇ નવું નામ નથી. વિખ્યાત અને પ્રતિષ્ઠિત અનેક એવોર્ડ્સ જેવા કે શયદા એવોર્ડ, કલાપી એવોર્ડ અને તાજેતરમાં જ નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ડો. રઇશ મણીયાર મંચ પર તેમની હળવી શૈલીના વકતવ્યો અને કવિતાઓ માટે ખુબ જ ખ્યાતીપ્રાપ્ત સર્જક તરીકે છેલ્લા દાયકામાં ઉભરી આવ્યા છે.

વિવિધ વિષયો, પ્રદેશોના રીસર્ચ અને અભ્યાસ માટે જાણીતા કવિ 'મૌજે ગુજરાત'માં રાજ્યના વિવિધ વિસ્તારોની જાણીતી રસપ્રદ વાતો અને કવિતાઓનો આસ્વાદ પોતાની આગવી હળવી રમુજભરી શૈલીમાં કરી, કાર્યક્રમમાં ગુજરાતી ભાષાના વિશિષ્ટ હાસ્યના પ્રયોગથી અલગ જ રંગ ભરશે.

શ્રી મિલિન્દ ગઢવી

પ્રખ્યાત સંચાલક-કવિ

નરસિંહ મહેતાની ભૂમિ જુનાગઢમાં જન્મેલ કવિ મિલિન્દ ગઢવી ઉર્દુ અને ગુજરાતી બન્ને ભાષામાં કવિતા કર્મ કરતા સર્જક ઉપરાંત ખુબ જ વિખ્યાત સંચાલક છે. અસ્મિતા પર્વ-૨૦૧૪માં સંચાલન દ્વારા લાખો ગુજરાતીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર કવિ-સંચાલક, દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમને પોતાની ભાવવહી અને અભ્યાસુ રજુઆતથી અજવાળી ચૂકયા છે.

યુનિવર્સિટી અને રાજ્ય કક્ષાએ અનેક વેળાએ કવિતા અને કાવ્ય પાઠમાં વિજેતા થયેલા કવિ મિલિન્દના તાજેતરમાં જ અકિલા ઇન્ડિયા પબ્લીકેશન દ્વારા પ્રકાશિત બે કાવ્ય સંગ્રહ મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પૂ. મોરારીબાપુના વરદ હસ્તે રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યા હતા. કવિતા અને સંચાલન ઉપરાંત મિલિન્દ અર્બન ગુજરાતી ફિલ્મમાં ગીતકાર તરીકે હાલ ખુબ જ લોકપ્રિય છે. અનેક લોભજીભેલા ચડેલા ગુજરાતી ગીતો મિલિન્દની કલમથી નીકળી ગુજરાતીઓના હૃદયમાં પહોંચ્યા છે. ફિલ્મના ગીતકાર તરીકે મિલિન્દને ટ્રાન્સ મીડિયા એવોર્ડ, GIFA એવોર્ડ, ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ ગીતકાર એવોર્ડ પ્રાપ્ત થયા છે. 'મૌજે ગુજરાત'માં મિલિન્દ ગઢવી પોતાની આગવી અદામાં સહ સંચાલન કરીને એક અનેરો રંગ ઉમેરશે.

કવિ હિરેન સુબા-પિયુષ ખખ્ખર

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સના પાયાના પથ્થર સમા કવિ હિરેન સુબા ઇવેન્ટ કો-ઓર્ડીનેર તરીકે 'મૌજે ગુજરાત'નું સમગ્ર નિર્માણ-પ્રસ્તુતિમાં વહીવટી ભૂમિકા સંભાળશે. તેઓ રાજકોટના પ્રસિદ્ધ સાંધ્ય અખબાર અકિલાની વેબસાઇટ www.akilanews.com પર છેલ્લા ઘણા વર્ષોથી કસુંબો વિભાગનું પણ સફળ સંચાલન કરી રહ્યા છે અને તેમના દ્વારા રચાયેલ શાયરી અને કવિતાઓ થકી ખુબ લોકચાહના ધરાવે છે.

યુવા અદાકાર પિયુષ ખખ્ખર રંગમંચનો જાણીતો ચહેરો છે. અને તેઓ 'મૌજે ગુજરાત'માં પોતાની કલાના કામણ પાથરશે.

(12:00 am IST)