Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

કાશ્મીર-ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાથી લોકો અટવાયા

કેદારનાથ, બદ્રીનાથ મંદિર બરફની ચાદરમાં : સિઝનની પ્રથમ ભારે હિમવર્ષાથી હાલત કફોડી : કાશ્મીર ખીણમાં અનેક વિસ્તારોમાં વિજ ડુલ : સેંકડોને બચાવાયા

શ્રીનગર, તા. ૪ : જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગો અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થતાં અનેક વિસ્તારો અંધારપટમાં ડુબી ગયા છે. બીજી બાજુ ઉત્તરાખંડમા ચારધામમાંથી એક કેદારનાથ મંદિરની આસપાસના વિસ્તારોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઇ હતી. આની સાથે જ ઠંડીમાં જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે. સમગ્ર કેદાર ખીણ બરફની ચાદરમાં ઢંકાઈ ગઈ છે. બદ્રીનાથ, હેમકુંડ, રુદ્રનાથમાં હિમવર્ષા થઇ છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને ખીણના અન્ય વિસ્તારોમાં પણ હિમવર્ષા થઇ છે. શ્રીનગરથી પ્રાપ્ત અહેવાલ મુજબ ભારે હિમવર્ષા બાદ મોટાપાયે વિજળી ડુલ થઇ ગઇ છે. વહીવટીતંત્રએ આ અહેવાલને સમર્થન આપતા કહ્યું છે કે, વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત ખીણમાં નવેમ્બરમાં પ્રથમ વખત હિમવર્ષા થઇ છે. કાશ્મીરના ચિફ એન્જિનિયર હસમત કાઝીએ કહ્યું છે કે, વિજળીની પુરવઠા લાઈનો ઉપર વૃક્ષોની શાખાઓ તુટી પડતા આ સમસ્યા સર્જાઈ છે. ટ્રાન્સમિશન લાઇનો ખોરવાઈ ગઈ છે જેના લીધે ૧૩૦૦ મેગાવોટ વિજળી પુરવઠા પૈકી ૮૦ મેગાવોટ સુધી વિજળી પુરવઠો પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું છે કે, વિજલી વિકાસની સમગ્ર ટીમ ટ્રાન્સમિશન લાઈનો અને ગ્રેડ સ્ટેશનોને પુનઃ સ્થાપિત કરવામાં લાગેલી છે. ખીણ અને બાકી ભારત વચ્ચે વિમાની સેવાને પણ અસર થઇ છે. ખીણનો સંપર્ક દેશના અન્ય ભાગોથી કપાઈ ગયો છે. આજે બપોરે શ્રીનગર વિમાની મથકથી તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. જવાહર સુરંગમાં ભારે હિમવર્ષાના લીધે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. હિમવર્ષાના લીધે શ્રીનગર-લેહ રાજમાર્ગ તથા મુગલ રોડને પણ બંધ કરવાની ફરજ પડી છે. પરિવહન વિભાગને પણ માઠી અસર થઇ છે. અધિકારીઓએ કહ્યું છે કે, મુગલ રોડ ઉપર પીર ગલી અને શ્રીનગર-જમ્મુ રાજમાર્ગના જવાહર સુરંગ ક્ષેત્રમાં ભારે હિમવર્ષા બાદ ફસાઇ ગયેલા ૫૦૦૦ લોકોને બચાવી લેવાયા છે. હિમવર્ષાના લીધે સફરજનના પાકને નુકસાન થયું છે.

(12:00 am IST)