Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

યાસીન મલિક અને શબ્બીર શાહ સામે ચાર્જશીટ દાખલ થઇ

ટેરર ફાઈનાન્સ તપાસનો દોર

શ્રીનગર, તા.૫ : કટ્ટરપંથી નેતા શબ્બીર શાહ અને યાસીન મલિકના ઓનલાઈન વાતચીતના મામલાથી નવો વિવાદ સપાટી ઉપર આવી ગયો છે. ઓનલાઈન વાતચીતથી મળી આવેલા ઇ-મેઇલની બાબતોમાં તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ ચાર્જશીટ દાખલ કરાઈ છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા ચાર્જશીટ દાખલ કરીને દાવો કરવામાં આવ્યો છે કે, બંને નેતાઓને પાકિસ્તાનના હાઈકમિશન પ્રથમ સચિવ મુદ્દાસર ઇકબાલ ચીમા પાસેથી જંગી નાણાં મળ્યા હતા.

આનો મતલબ એ થયો કે આ નાણાં જમ્મુ કાશ્મીરમાં અંધાધૂંધી ફેલાવવા અને ભાંગફોડી પ્રવૃત્તિ ચલાવવા માટે મળ્યા હતા. તપાસ સંસ્થા એનઆઈએના કહેવા મુજબ પાકિસ્તાન હાઈકમિશનની ભૂમિકા અલગતાવાદીઓ અને તેમના લોકો માટે હંમેશા રહેલી છે. ફાઈનાન્સિયલ મદદ તેમના તરફથી આપવામાં આવી રહી છે. યાસીન મલિક અને શબ્બીર શાહ સામે ચાર્જશીટ દાખલ કરાયા બાદ ઉંડી તપાસ ચાલી રહી છે. ત્રણ હજાર પાનાની ચાર્જશીટ પાંચ અલગતાવાદી નેતાઓ સામે દાખલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી ખટલો ચલાવવાની મંજુરી મળ્યા બાદ આ ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ મામલામાં વધુ સુનાવણી ૨૩મી ઓક્ટોબરના દિવસે કરાશે.

(8:11 pm IST)