Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

એકને બાદ કરતા બધા સાથે ભારતના મજબૂત સંબંધો છે

પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રહાર : અમેરિકામાં કલમ ૩૭૦ને લઇને અનેક લોકો સાથે ચર્ચા થઇ હતી : અનેક લોકોને પુરતી માહિતી ન હતી : વિદેશમંત્રી એસ જયશંકર

નવીદિલ્હી,તા.૫ : પડોશી દેશોની સાથે ભારતના સંબંધો ઉપર વિદેશમંત્રી એસ જયશંકરે આજે પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર આકરા પ્રહાર કર્યા હતા. વિદેશમંત્રીએ કહ્યું હતું કે, ભારતના તમામ પડોશી દેશ એકને બાદ કરતા સારા સંબંધો રહેલા છે. ક્ષેત્રીય સહકારની દ્રષ્ટિએ તમામની સાથે ભારતના સંબંધ ખુબ સારા છે. ઇન્ડિયા ઇકોનોમિક સમિટ દરમિયાન બોલતા જયશંકરે કહ્યું હતું કે,પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટેના પ્રયાસો એ વખત સુધી સફળ રહેશે નહીં જ્યાં સુધી તે આતંકવાદના મુદ્દા ઉપર નક્કર વલણ અપનાવશે નહીં. વિદેશ મંત્રીના હાલના અમેરિકાના પ્રવાસ દરમિયાન પણ કલમ ૩૭૦ને દૂર કરવાના નિર્ણયને લઇને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ સાથેની વાતચીતમાં કલમ ૩૭૦ પર જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જો યથાસ્થિતિમાં ફેરફાર થાય છે તો ઘણા બધા લોકોના મનમાંથી સમસ્યાને લઇને પ્રશ્નો દૂર થશે.

           આ એક સામાન્ય પ્રક્રિયા છે. કલમ ૩૭૦ પર કેન્દ્ર સરકારના નિર્ણય પર ભારતના પક્ષને વધુ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, અમેરિકામાં અનેક કાર્યક્રમોમાં ચર્ચા થઇ હતી. અમેરિકાના પ્રવાસ દરમિયાન આને લઇને વિવિધ નેતાઓ સાથે વાતચીત થઇ હતી. કાશ્મીરના બેકગ્રાઉન્ડ ઇતિહાસ અને અન્ય બાબતોને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો હતો. અમેરિકાના પ્રવાસ દરમિયાન કાશ્મીરને લઇને થયેલી ચર્ચા પર તેમણે કહ્યું હતું કે, કાશ્મીર અને કલમ ૩૭૦ને લઇને ઘણા લોકોને પુરતી માહિતી ન હતી. જે પણ લોકો પાસેથી આ મુદ્દા પર ચર્ચા થઇ હતી તે લોકો ખુબ ઓછી માહિતી ધરાવતા હતા. દેશના ઘણા બધા વિસ્તારમાંથી નિયમો બદલવામાં આવી રહ્યા છે. કલમ ૩૭૦ દૂર કરીને જમ્મુ કાશ્મીરમાં પણ હવે દેશમાં અન્ય રાજ્યોમાં રહેલી વ્યવસ્થા લાગૂ કરવામાં આવી રહી છે જેનાથી લોકોને ફાયદો થશે.

(8:09 pm IST)