Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

પોક-પાકિસ્તાનથી ભારતમાં ઘુસણખોરી થઇ છે : વડાપ્રધાન ઇમરાન ખાન

તમામ યોજના ફ્લોપ રહ્યા બાદ કબૂલાત : ઇસ્લામિક ત્રાસવાદ એજન્ડાને મજબૂતી મળે છે : વડાપ્રધાન ઇમરાન ખાન

ઇસ્લમાબાદ,તા.૫ : ભારતમાં સરહદ પારથી ઘુસણખોરોના આરોપોને નકારનાર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને હવે પોતે પરોક્ષરીતે આ બાબતને કબૂલી લીધી છે. ઇમરાન ખાને કહ્યું છે કે, ભારતમાં ઘુસણખોરી થઇ છે. પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના લોકોને એલઓસી પાર ન કરવા માટેની વાત ઇમરાન ખાને કરી છે. ઇમરાન ખાને ટ્વિટ કરીને પોકના લોકોને સંબોધતા લખ્યું છે કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં કાશ્મીરી લોકોની નારાજગીને સમજે છે. તેમને સરહદ પારના પોતાના સાથીઓની ચિંતા રહેલી છે પરંતુ કોઇપણ વ્યક્તિની માનવીય સહાયતા માટે એલઓસી પાર કરવાની બાબત ભારતને વધારે મજબૂત કરશે. પોતાના ટ્વિટમાં ઇમરાન ખાને એમ પણ કહ્યું છે કે, ઘુસણખોરી મદદ માટે કરવાની બાબત પણ યોગ્ય રહેશે નહીં. ઇમરાને એક રીતે પરોક્ષરીતે કબૂલાત કરી છે કે, પાકિસ્તાન અને પોકમાંથી ભારતમાં ઘુસણખોરી થઇ રહી છે

            પરંતુ ઇતિહાસ આ બાબતની નોંધ લે છે કે, અમેરિકા સહિતના દેશોએ નોંધ લીધી છે. આ દેશોએ પાકિસ્તાનને સરહદ પર આતંકવાદ પર અંકુશ મુકવાની વારંવાર સલાહ આપી છે. સરહદપારથી માનવીય સહાયતા નહીં બલ્કે આતંકવાદી ઘુસણખોરી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની છાપને સુધારવા માટે ઇમરાન ખાન દ્વારા લોકોને સલાહ આપવામાં આવી છે. ઇમરાન ખાનના નિવેદનને તેમની પીછેહઠ તરીકે પણ જોવામાં આવે છે. ઇમરાનનું કહેવું છે કે, જો કોઇ વ્યક્તિ સરહદ પાર કરે છે તો આનાથી ભારતના પાકિસ્તાની ઇસ્લામિક ટેરેરિઝમના એજન્ડાને મજબૂતી મળશે. તેમની ટિપ્પણીથી સ્પષ્ટ છે કે, દુનિયાભરમાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાને સ્વીકાર કરવામાં આવ્યા બાદથી તેઓ ચિંતાતુર છે અને પાકિસ્તાની છાપને સુધારવાના પ્રયાસ કરી રહ્યા છે. પાંચમી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવી હતી. ત્યારબાદથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સહિત તમામ દેશો સમક્ષ માનવ અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમેરિકાએ પણ આતંકવાદ પર અંકુશ મુકવાની વાત કરી હતી પરંતુ કોઇ ફાયદો થયો ન હતો. પાકિસ્તાનની આ ચાલ નિષ્ફળ રહી હતી.

ફ્રાંસ સાઉદી અરબ, રશિયા સહિતના દેશોએ આને ભારતના આંતરિક મામલા તરીકે ગણાવીને પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. અમેરિકા સહિતના દેશોએ પાકિસ્તાનને સરહદ પારથી આતંકવાદ પર કાર્યવાહી કરવાની સલાહ પણ આપી હતી. મોદીના ટેક્સાસના કાર્યક્રમમાં અમેરિકી પ્રમુખે ઇસ્લામિક આતંકવાદ પર સ્પષ્ટપણે વાત કરી હતી. ત્યારબાદ ૨૭મી સપ્ટેમ્બરના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર વૈશ્વિક આતંકવાદના ખાત્મા માટે પગલા લેવાની વાત કરી હતી.

(8:05 pm IST)