Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ચીન પાકિસ્તાનના કોઇપણ ભાગ ઉપર કબ્જો કરી લેશે ?

પાકિસ્તાન નાદારીના દ્વારે : આઇએમએફ અને ચીન પાસેથી કરોડો-અબજો ડોલર ઉછીના લીધા છેઃ દઇ શકે એમ નથી

ઇસ્લામાબાદઃ આતંકીઓને શરણ આપી ઉછેરી રહેલું પાકિસ્તાન આર્થિક દેવાની ભિસમાં આવી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ પાકિસ્તાન ન માત્ર આઇએમએફ સાથે ચીન પાસેથી પણ અબજો રૂપિયા લઇને બેઠુ છે જેને ચુકવવા ભારે પડી શકે છે.

ચીન આમ તો પાકિસ્તાનને પોતાનો મિત્ર દેશ ગણાવે છે જયારે બીજી તરફ તેણે પાકિસ્તાનને ભારત વિરૂદ્ઘ ભડકાવીને કરોડો રૂપિયાની લોન આપી દીધી છે. જેની ચુકવણી કરવી પાકિસ્તાન માટે જરૂરી બની ગયું છે. એટલુ જ નહીં પાકિસ્તાન ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ પાસેથી પણ કરોડો રૂપિયા લઇ ચુકયું છે.

હાલ પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાને આઇએમએફને જેટલી રકમ ચુકવવાની છે તેના બેગણા વધુ ચીનને ચુકવવાના બાકી છે. અને આ ચુકવણી આગામી ત્રણ વર્ષમાં કરવાની રહેશે. જેથી પાકિસ્તાન પર હાલ ચીન અને આઇએમએફનું દેવુ ચુકવવાની ભીસ વધી ગઇ છે.

જે તેને આવનારા દિવસોમાં મુશ્કેલીમાં મુકી શકે છે. આઇએમએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાને જૂન ૨૦૨૨ સુધીમાં ચીનને ૬.૭ અબજ ડોલરની રકમ ચુકવવાની બાકી છે. જો પાકિસ્તાન આ રકમ નહીં ચુકવી શકે તો તેના પર મોટુ દબાણ વધી જશે.

એવામાં ચીન પાકિસ્તાનના કોઇ ભાગ પર કબજો પણ કરી શકે છે. એવા પણ રિપોર્ટ છે કે દેવા હેઠળ દબાયેલુ પાકિસ્તાન ગમે ત્યારે નાદારી પણ નોંધાવી શકે છે. પાકિસ્તાને આર્થિક વિકાસને બદલે ધાર્મિક કટ્ટરવાદ અને આતંકવાદ પર જ ભાર મુકયો જેને પગલે હવે તે બરબાદી તરફ આગળ વધી રહ્યું છે.

(3:28 pm IST)