Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

નોરતામાં કડક નિયમો સાથ નરેન્દ્રભાઈના ઉપવાસઃ લીંબુ પાણી- ફળ જ ગ્રહણ કરે છે

વડાપ્રધાન મોદી ૪૦ વર્ષોથી ચૈત્રી- આસો માસની નવરાત્રીની આરાધના કરે છે

નવી દિલ્હીઃ દેશભરમાં નવરાત્રીની આરાધના થઈ રહી છે. ભકતો ઉપવાસ કરી મા ની ભકિત કરે છે. કેટલાક લોકો ફકત ફળાહાર કરે છે. તો કેટલાક નિર્જળા વ્રત પણ રાખે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ માતાજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને નોરતામાં ઉપવાસ કરી આરાધના કરે છે. છેલ્લા ૪૦ વર્ષોથી ચૈત્રી અને શારદીય નવરાત્રીના ઉપવાસ નરેન્દ્રભાઈ કરે છે. આ દરમિયાન તેઓ કડક નિયોમોનું પાલન પણ કરે છે. ઉપવાસ દરમિયાન તેઓ સવારે તથા સાંજે માતાજીની પૂજા- અર્ચના કરે છે. નવ દિવસના ઉપવાસ બાદ દશેરાએ શસ્ત્ર પૂજન પણ કરે છે.

નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે તેથી અતિ વ્યસ્ત પણ હોય તેમ છતા તેઓ ઉપવાસના નિયમોનું જે રીતે પાલન કરે છે. તેથી સૌ કોઈને નવાઈ લાગે છે. ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ નવરાત્રી ઉપર અમેરિકાના પ્રવાસે હતા. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસ ખાતે ભોજન સમારંભ યોજયો હતો પણ ત્યારે નરેન્દ્રભાઈને નોરતાના ઉપવાસ હોય તેમણે ફકત લીંબુ પાણી જ પીધુ હતું.

નવરાત્રી દરમિયાન નરેન્દ્રભાઈ સાંજના સમયે લીંબુ પાણી અને કેટલાક ફળો ખાય છે. મોદી રાત્રે ગમે તેટલા મોડા સુતા હોય પણ સવારે ૪- ૫ વાગ્યે ઉઠી યોગ- પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર હંમેશા કરે જ છે. જેનાથી તેઓ દિવસભર ચુસ્ત રહે છે.

(12:58 pm IST)