Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ભાજપા પર્યાવરણને તબાહ કરે છે : મેટ્રો રેલના નામે અસંખ્ય વૃક્ષો કાપી નાખ્યા : આદિત્ય ઠાકરેની સટાસટી

વૃક્ષો કાપવાને બદલે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ધમધમતી આતંકવાદી શિબિરો ખતમ કરવી જોઈએ

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના વતી ઝુકાવનારા આદિત્ય ઠાકરેએ મુંબઇમાં કહ્યું હતું કે ભાજપ પર્યાવરણને તબાહ કરી રહ્યો છે. મેટ્રો રેલના નામે અસંખ્ય લીલાં વૃક્ષો કાપી નાખ્યાં છે.

  શિવસેનાના કાર્યવાહક પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યે ભાજપની આકરી ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે વૃક્ષો કાપવાને બદલે ભાજપે પાકિસ્તાની કબજા હેઠળના કશ્મીરમાં ધમધમી રહેલા આતંકવાદી શિબિરો ખતમ કરવા પર ધ્યાન આપવું જોઇએ.

  ભાજપ અને તેના મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ અગાઉ એક કરતાં વધુ વખત કહી ચૂક્યા છે કે ગોરેગાંવની આરે કોલોનીમાં મેટ્રો રેલ શેડ બનાવવા ઓછામાં ઓછાં 2700 (સત્તાવીસસો) ઝાડ કાપવા પડશે. વિધાનસભાની ચૂંટણી માથા પર છે ત્યારે આદિત્ય ઠાકરેએ કરેલી ટીકા દર્શાવે છે કે ભાજપ સાથેના ગઠબંધનથી શિવસેના સો ટકા ખુશ નથી.

અગાઉ પણ ઉદ્ધવ ઠાકરે અને એના પુત્ર આદિત્યે આરે કોલોનીનાં વૃક્ષો કાપવાના મુદ્દે ભાજપની અને રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં એક કરતાં વધુ વખત આ મુદ્દે અગ્રલેખ પણ પ્રગટ થઇ ચૂક્યા હતા.

આદિત્યે કહ્યું હતું કે જે રીતે મેટ્રો રેલ-થ્રીના નામે સરકારી અધિકારીએા વૃક્ષો કાપી રહ્યા છે એ શરમજનક અને વખોડવા લાયક કૃત્ય છે. મેટ્રો રેલ થ્રી પર્યાવરણનો નાશ કરી નાખે એવી રીતે બનાવાઇ રહી છે.

(12:15 pm IST)