Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મુંબઈ આરે કોલોનીમાં 800 જેટલા વૃક્ષો કપાયા : મેટ્રો રેલ સાઈટ પર ભારે સૂત્રોચ્ચારો : 100 પ્રદર્શનકારીની અટકાયત

મેટ્રો સાઈટ પર પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ : 144મી કલમ લાગુ

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીને જંગલ વિસ્તાર જાહેર કરવાની તમામ અરજીઓ ફગાવી દીધી છે. હાઈકોર્ટના નિર્ણય બાદ આરે કોલોનીમાં શુક્રવારે મોડી રાતથી વૃક્ષો કાપવાનું કામ શરૂ થઈ ગયું છે. જેના વિરોધમાં અનેક પ્રદર્શનકારીઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા હતા. મેટ્રો રેલ સાઈટ પર જોરદાર સૂત્રોચ્ચારો પણ કર્યા હતા.

    આ વચ્ચે પોલીસે આરે તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા છે. અત્યાર સુધીમાં 800થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા છે, ત્યારે વધુ વૃક્ષ કાપવા માટે વધારે મશીનો સાઈટ પર મંગાવવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે છે. વિસ્તારના 3 કિલોમીટરના રેડિયસમાં કોઈ પણને જવાની મંજૂરી નથી

શુક્રવારે રાત્રે 100થી વધુ લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી. તો મીડિયાને પણ આ વિસ્તારમાં જવાની મનાઈ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓએ મેટ્રો રેલ સાઈટ પર જોરદાર સૂત્રોચ્ચારો કર્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતુ. ત્યારે ભારે વિરોધ પગલે આરેમાં શનિવારે કલમ 144 લાગુ કરવામાં આવી છે. તો 20 લોકોની ધરપકડ પણ કરાઈ છે.

(12:11 pm IST)