Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

કોંગ્રેસ માટે મુશ્કેલીઃ ચુંટણી લડવી કે અંદરો અંદર લડવુ ?

હરિયાણા અને મહારાષ્ટ્ર પછી યુપી અને હિમાચલમાં પણ ડખો

નવી દિલ્હી : કોંગ્રેસમાં અત્યારે કયાંય બરાબર નથી ચાલી રહ્યુ. એક પક્ષ હરિયાણા અને મહારાષ્ટ્રની ચુંટણીમાં પોતાની સંગઠનાત્મક નબળાઇઓ સામે લડી રહ્યો છે. અને પોતાના અસ્તિત્વની લડાઇ રડી રહ્યો છે. તો બીજી બાજુ પક્ષની અંદર જ યાદવાસ્થળી શરૂ થઇ ગઇ છે. બંન્ને રાજ્યોમાં સીનીયર નેતાઓ ખૂલ્લેઆમ બળવો પોંકારી રહ્યા છે. કોંગ્રેસને મુશ્કેલી એ છે કે અત્યારે તે ચુંટણી લડે કે પછી પોતાના નેતાઓ સામે લડે

એવુ નથી કે કોંગ્રેસમાં બળવાના આ સુર ફકત આવા રાજ્યોમાંથી ઉઠી રહ્યા છે. હરિયાણાના પાડોશી હિમાચલ પ્રદેશ અને યુપીમાંથી પણ એ જ સ્થિતી છે. હિમાલયની ધર્મશાલા અને પરછાદ બેઠક પર વિધાનસભા પેટાચુંટણી થવાની છે. પણ અહી પણ પક્ષની અંદર રમખાણ થયેલુ છે. અહીં રાજ્યના ભૂતપૂર્વ પ્રમુખ સુખવિંદરસિંહે સુકખુ અને તેમના સમર્થકો સતત બયાનબાજી દ્વારા પક્ષની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. આને જોતા હાઇકમાન્ડે પ્રદેશ પ્રભારી રજની પાટીલ અને સહપ્રભારી સચિવ ગુરકિરતસિંહને સિમલા મોકલ્યા છે. જ્યારે બીજી તરફ યુપીમાં પક્ષની યુવા ધારાસભ્ય અદિતિસિંહે પક્ષની વિરુધ્ધ જઇને યુપી સરકાર દ્વારા ગાંધી જયંતિ પર બોલાવાયેલ ખાસ સત્રમાં ભાગ લીધો જેને પક્ષ દ્વારા  અશિસ્ત ગણવામાં આવી રહ્યુ છે.

પક્ષ અત્યારે તો પોતાના બળવાખોર નેતાઓ સામે પગલા લેવાથી બચી રહ્યો છે. પક્ષના એક સીનીયર નેતાનુ કહેવુ હતુ કે સમય આવ્યે આ બધી બાબતો પર ધ્યાન અપાશે પણ અત્યારે કોઇ કાર્યવાહી કરવી યોગ્ય નથી. ખરેખર તો પક્ષ અત્યારે આ બાબતને વધારે ભાવ નથી દેવા માંગતો . પક્ષ નથી ઈચ્છતો કે જનતા પાસે કોઇ ખોટો સંદેશ પહોંચે કેમકે જો કોઇ કાર્યવાહી કરાય તો લોકોને લાગશે કે બળવાખોર નેતાઓના આક્ષેપોમાં થોડીક તો સચ્ચાઇ હશે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં ચુંટણીમાં ટીકીટ વહેચણી બાબતે કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે ખડગે સહિતના મોટા નેતાઓ પર નિશાન તાકતા કહ્યુ કે રાહુલ અને તેના ખાસ લોકો વિરુધ્ધ ષડયંત્ર રચાઇ રહ્યુ છે. મોટાભાગની બેઠકો પર પક્ષની ડીપોઝીટ જપ્ત થઇ જશે. જો આવી જ સ્થિતી રહેશે તો પક્ષ બરબાદ થઇ જશે.

જ્યારે યુપીમાં વિધાન પરિષદમાં પક્ષના નેતા અજયકુમાર લલ્લુએ પક્ષમાં ધારાસભ્ય અદિતિસિંહને નોટીસ મોકલીને બે દિવસમાં જવાબ માંગ્યો  છે. અદિતિ પર પક્ષના વ્હીપનો ભંગ કરીને વિધાન પરિષદના ખાસ સત્રમાં ભાગ લેવાનો આરોપ છે. જો કે અદિતિસિંહે કહ્યુ કે તેણે કંઇ ખોટુ નથી કર્યુ.

(11:38 am IST)