Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

મહારાષ્ટ્રમાં ભાજપ પણ પરિવારવાદ તરફ !

ભાજપે જાહેર કરેલ ૧૨૫ ઉમેદવારોની યાદીમાં દર ૬ બેઠકે પુત્ર, પુત્રી, પત્નિ, જમાઈ તથા ભાઈને ટીકીટ ફાળવી !

મુંબઈ, તા. ૫ :. કોંગ્રેસના પરિવારવાદને છાશવારે ચગાવતા ભાજપના ટોચના આગેવાનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પરિવારવાદના મુદ્દાને વધુ ચગાવી નહી શકે કેમ કે ભાજપે મહારાષ્ટ્રમાં બહાર પાડેલી ૧૨૫ ઉમેદવારોની યાદીમાં દર છઠ્ઠી બેઠક પાર્ટીના આગેવાનોના દીકરા, દીકરી, પત્નિ, ભાઈ, ભત્રીજા, ભત્રીજી કે નજીકના સગાનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ ૧૨૫ની યાદીમાંથી ૧૯ બેઠકો ઉપર ભાજપના સ્થાનિક નેતાઓના દિકરા, દિકરી, પત્નિ, ભત્રીજા, ભત્રીજી કે સાવ નજીકના સગાઓને ટીકીટો ફાળવાતા સગાવાદ કે પરિવારવાદની છાની ચર્ચા ભાજપમાં જ થઈ રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા ૧૨૫ ઉમેદવારોમાં પરિવારવાદ બરાબરનો ચાલ્યો છે.

નામો જોઈએ તો પરલી બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેના દીકરી પંકની મૂંડે, ખામગામ બેઠક પર પૂર્વ મંત્રી ભાઉસાહેબ ફુંડકરના દીકરા આકાશ ફુંડકર, એરોલી બેઠક પર પૂર્વ મંત્રી ગણેશ નાયકના દિકરા સંદીપ નાયક અને અકોલા બેઠક ઉપર પૂર્વ મંત્રી મધુકર પિચાડના દિકરા વૈભવ પિચાડને ટીકીટ અપાઈ છે.

આ ઉપરાંત નવાપૂર બેઠક પરથી પૂર્વ મંત્રી મણિકરાવ ગાવિતના પુત્ર ભરત ગાપિત, ભોકરદન બેઠક પરથી પૂર્વ મંત્રી રાવસાહેબ દાનવેના દિકરા સંતોષ દાનવે, વાઈ બેઠક પરથી પૂર્વ મંત્રી પ્રતાપરાવ ભોંસલેના પુત્ર મદન ભોંસલેને ટીકીટ ફાળવાઈ છે.

પૂર્વ મંત્રીઓ કે નેતાઓના પુત્ર-પુત્રી ઉપરાંત વાત કરીએ તો પૂણેકેંટ બેઠક પરથી સુનીલ કાંબલે ને ટીકીટ અપાઈ છે જે પૂર્વ મંત્રી દીલીપ કાંબલેના ભાઈ છે. કોપર ગાંવ બેઠક પરથી પૂર્વ મંત્રી શંકરરાવ કોલ્હેના જમાઈ સ્નેહલતા કોલ્હેને ભાજપે ટીકીટ ફાળવી છે.

મહારાષ્ટ્રના વિક્રમગઢ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય વિષ્ણુ સાવરના પુત્ર હેમંત સાવર, શેઢગાવસિયના પૂર્વ ધારાસભ્ય રાજીવ રાજલેની પત્નિ મોનીકા રાજલેને ટીકીટ આપી છે.

જ્યારે કોલ્હાપુર દક્ષિણ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય મુન્હા મહાડીકના ભાઈ અમલ મહાડીકને નાસીક સેન્ટ્રલ બેઠક પર પૂર્વ ધારાસભ્ય એન.સી. ફરાંડેની પત્નિ દેવયાની ફરાંડે અને દક્ષિણ કરાડ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય દિલીપરાવ દેશમુખના જમાઈ અતુલ ભોસલેને ટીકીટ ફાળવાઈ છે.

આ ઉપરાંત ભાજપના પૂર્વ સંસદ સભ્યોના દિકરા-દિકરાઓની વાત કરીએ તો હિંગાના બેઠક પર પૂર્વ સાંસદ દત્તા મેઘના પુત્ર સમીર મેઘે ને, તુલજાપુર સીટ પરથી પૂર્વ સાંસદ પદ્મસિંહ પાટીલના પુત્ર જગજીતસિંહ પાટીલને શિવાજીનગર બેઠક પર પૂર્વ સાંસદ અનિલ શિરોલેના પુત્ર સિદ્ધાર્થ શિરોલેને, નિલંગા બેઠક પર પૂર્વ સાંસદ રૂપતાઈ નિલંગકરના પુત્ર સંભાજી નિલજેકર પાટીલ અને પનવેલ બેઠક પર પૂર્વ સાંસદ રામશેઠ ઠાકુરના પુત્ર પ્રશાંત ઠાકુરને ધારાસભાની ટીકીટ ફાળવાઈ છે.

(11:36 am IST)