Gujarati News

Gujarati News

News of Saturday, 5th October 2019

ઇમરાન સતત ભીંસમાં : પાકિસ્તાનની કુખ્યાત લશ્કરી બ્રિગેડમાં રજાઓ રદ થતા ભારે ચર્ચા

૧૧૧મી ઇન્ફન્ટ્રી બ્રિગેડના તમામ અધિકારીઓ-જવાનોને તાબડતોબ ડયુટી પર પહોંચવાના આદેશ

ઇસ્લામાબાદ : પાડાશી દેશ પાકિસ્તાનમાં ઇમરાન સરકાર માટે સારા સમાચાર નથી. પાક સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવાની દેશના મોટા બીઝનેસમેનો સાથેની મીટીંગ પછી પાકિસ્તાનની સેનાએ તખ્તા પલટ માટે કુખ્યાત એવી પોતાની ૧૧૧ ઇન્ફન્ટ્રી બ્રિગેડના બધા સેનિકો અને અધિકારીઓની રજા રદ કરી દીધી છે. બધાને પોતાની ડયુટી પર પરત ફરીને રીપોર્ટ કરવા કહેવાયું છે. ત્યાર બાદ પાકિસ્તાનમાં સૈન્ય દ્વારા તખ્તા પલટની ચર્ચાએ જોર પકડયું છે.

ઉલ્લેખનીય છે કે રાવલપીંડીમાં તહેનાત આ બ્રિગેડે ૧૯૯૯માં ત્યારના વડાપ્રધાન નવાઝ શરીફનો તખ્તો પલટીને દેશનું સુકાન સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફને સોંપ્યું હતું. ૧૯પ૮માં જનરલ અયુબખાને તત્કાલીન રાષ્ટ્રપતિ ઇશકંદર મીર્ઝાનો અને ૧૯૭૭માં જનરલ જીયા ઉલ હકે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોનો તખ્તો પલટવા આ બ્રિગેડનો જ ઉપયોગ કર્યો હતો.

અમેરિકાથી માંડીને અફઘાનિસ્તાન સુધી અત્યારે પાકની દરેક હરકત સેનાના ઇશારે થઇ રહી છે. ર૭ સપ્ટેમ્બરે સંયુકત રાષ્ટ્રમાં થયેલા ભાષણ પછી પાકિસ્તાની અધિકારીઓએ તાત્કાલીક તમામ ફેરફારો કર્યા છે. યુએનમાં મૂકવામાં આવેલ સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમ તો બાજવાના સગાજ છે. જયારે યુએનએચઆરસીમાં પણ પાકે પોતાના પ્રતિનિધિ બદલી નાખ્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી અને આઇએસઆઇ ચીફ જે રીતે તાલીબાની મુલ્લા બિરાદરોની નેતાગીરી કરી રહ્યા છે જેનાથી સ્પષ્ટ છે કે પાકમાં સેના અતિસક્રિય થઇ ગઇ છે.

જે રીતે પાકિસ્તાની ઉદ્યોગકારોએ સેનાધ્યક્ષને મળીને અર્થવ્યવસ્થાના મુદ્દાઓ બાબતે ફરીયાદ કરી અને જનરલ બાજવાએ સેનાના અધિકારીઓની એક સમિતિ બનાવવાની ભલામણ કરી છે. તેનાથી સ્પષ્ટ છે કે સૈન્ય અર્થવ્યવસ્થા પર ફરીથી પોતાનું નિયંત્રણ કરવાની કવાયતમાં જોડાઇ ગઇ છે. ઇમરાન માટે આ સંકેતો સારા નથી.

(11:31 am IST)